શોધખોળ કરો
ઈંદોરના એક કાર્યક્રમમાં ઝેરી ભોજન જમવાથી 1 હજારથી વધુ લોકો બીમાર

ઈંદોર: મધ્ય પ્રદેશના ઈંદોરમાં બોહરા સમાજની ઈફતાર પાર્ટીમાં રવિવારની સાંજે સામૂહિક ભોજન લેવાથી એક હજારથી વધુ લોકોની તબિયત બગડી હતી. આ જાણકારી વોહરા જમાતખાનાના સચિવે સોમવારે આપી હતી. ઇફતાર પાર્ટીમાં ભોજન લેવાથી બિમાર પડેલા લોકોને ઈંદોરની એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓએ કહ્યું હતું કે, સેફી નગરમાં બોહરા સમાજની ઈફતાર પાર્ટીમાં રવિવારે સાંજે આયોજીત કાર્યક્રમમાં બે હજારથી વધુ લોકો હાજર હતા. ભોજન લીધા પછી તમામ લોકો પોત પોતાના ઘરે નીકળી ગયા હતા, પરંતુ મોડી સાંજે અડધા લોકોને ઉલ્ટી અને ઝાડાની સાથે તબિયત લથડી હતી. પીડિતોને એમવાય હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પીડિતોની સંખ્યા એક હજારથી વધુ જાણવા મળી રહી છે. બોહરા જમાતખાનાના સચિવ તાહિરે ભોજન લીધા પછી બીમાર પડ્યાની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, હાલ લોકોની તબિયત કેમ લથડી તેના વિશે કંઈ કહેવાય તેમ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમવામાં મટન, દાળ-ભાતની સિવાય મિઠાઈમાં ટોપરા પાક આપવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી એ ખબર નથી પડી કે ખરાબી કયા પકવાનમાં હતી.
વધુ વાંચો




















