પુત્રના મોતનો ભારઃ હોસ્પિટલે એમ્બ્યુલન્સ ના આપતાં પિતા પુત્રના મૃતદેહને લઈ 1.5 કિમી ચાલ્યો
ભારતમાં પુરતી સ્વાસ્થ્ય સેવાઓ અને હોસ્પિટલોની બેદરકારીના ઘણા એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં સામાન્ય માણસને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતો હોય છે.
ભારતમાં પુરતી સ્વાસ્થ્ય સેવાઓ અને હોસ્પિટલોની બેદરકારીના ઘણા એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં સામાન્ય માણસને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના ઓડિશામાં બની છે. હાલ ઓડિશાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પિતા પુત્રના મૃતદેહને ખભા પર રાખીને ચાલતા દેખાય છે. આ પિતાનું નામ સુરધર બેનિયા છે અને તેમનો દીકરો બીમાર હતો. સુરધર બેનિયા તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. મૃતદેહ ઘરે લાવવાનો હતો, પરંતુ એમ્બ્યુલન્સ મળી શકી ન હતી. એમ્બ્યુલન્સ ના મળતાં સુરધર બેનિયા લગભગ 1.5 કિમી ચાલીને પુત્રના મૃતદેહને ખભે ઉંચકીને ઘરે લાવ્યા હતા. જો કે, મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. વિભાગે કહ્યું છે કે, તે આ મામલે તપાસ કરશે.
ઓડિશા ટીવીના અહેવાલ મુજબ, રાયગડાના સુરધર બેનિયા 9 વર્ષના પુત્ર આકાશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ત્યાંના હાજર ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. સંબંધીઓનો આરોપ છે કે પુત્રના મૃત્યુ બાદ અમે મૃતદેહ ઘરે લઈ જવા વિનંતી કરી હતી, પરંતુ હોસ્પિટલે કહ્યું કે તેમની પાસે એમ્બ્યુલન્સ નથી. હોસ્પિટલ મેનેજમેન્ટે એમ્બ્યુલન્સની સેવા ના આપતાં સુરધર બેનિયાએ પુત્રના મૃતદેહને જાતે ઘરે લઈ જવાનું નક્કી કર્યું હતું અને તેઓ પુત્રના મૃતદેહને પોતાના ખભા પર લઈને ઘરે લઈ ગયા હતા.
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાયગડા જિલ્લા મેજિસ્ટ્રેટ સરોજ કુમાર મિશ્રાએ કાર્યવાહી કરવાનું કહ્યું છે. મિશ્રાએ કહ્યું કે, રાયગઢ હોસ્પિટલમાં મહાપ્રયાણ યોજના હેઠળ મૃતદેહને લઈ જવા માટે ત્રણ વાહનોની જોગવાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સરોજ કુમાર મિશ્રાએ કહ્યું છે કે તે તપાસ કરાવી રહ્યા છે કે સમગ્ર મામલો શું હતો. આ મામલે જે દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.