Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
nitish kumar oath: ગાંધી મેદાનમાં ભવ્ય શપથવિધિ, પીએમ મોદી રહેશે હાજર; 'લવ-કુશ' સમીકરણ અને મહિલા સશક્તિકરણથી મેળવી ઐતિહાસિક જીત.

bihar cm oath: બિહારના રાજકીય ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ લખાવા જઈ રહ્યું છે. 'સુશાસન બાબુ' તરીકે ઓળખાતા નીતીશ કુમાર સતત 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. NDA ગઠબંધનના સર્વસંમત નેતા તરીકે ચૂંટાયેલા નીતીશ કુમાર માત્ર એક રાજનેતા નથી, પરંતુ તેમને બિહારના રાજકારણના "સાયલન્ટ કિલર" (શાંત શિકારી) માનવામાં આવે છે. મોટા શોરબકોર વિના જનતાના મન જીતવાની તેમની અનોખી શૈલી અને સામાજિક સમીકરણો સાધવાની કળાએ તેમને આજે આ મુકામ પર પહોંચાડ્યા છે. ચાણક્ય અને બુદ્ધની ધરતી પર જયપ્રકાશ નારાયણ (JP) ના આ શિષ્યે વિકાસ અને ન્યાયની રાજનીતિ દ્વારા પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.
ગાંધી મેદાન સાક્ષી બનશે ઐતિહાસિક ક્ષણનું
જેડીયુના સુપ્રીમો અને NDA ધારાસભ્ય દળના નેતા નીતીશ કુમાર પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેશે, સાથે જ NDA શાસિત રાજ્યોના અન્ય મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે નીતીશ કુમાર કેવી રીતે બિહારના રાજકારણમાં અજેય બની ગયા? ચાલો તેમની આ 'સાયલન્ટ કિલર' વાળી છબી પાછળના કારણો સમજીએ.
શાંત પણ સચોટ રણનીતિ: 'સાયલન્ટ કિલર'નું રહસ્ય
નીતીશ કુમારની છબી એક એવા નેતા તરીકેની છે જેઓ ચૂંટણી સભાઓમાં બિનજરૂરી ઘોંઘાટ કરવાને બદલે જમીની સ્તરે કામ કરવામાં માને છે. તેઓ કોઈ ધામધૂમ વિના સીધા મતદારોના હૃદય સુધી પહોંચવાની કુશળતા ધરાવે છે. છેલ્લા 20 વર્ષના તેમના શાસનકાળ પર નજર કરીએ તો સમજાય છે કે તેમણે હંમેશા 'ન્યાય સાથે વિકાસ' ના મંત્રને પ્રાધાન્ય આપ્યું છે. તેમનો ઉદય એટલા માટે થયો કારણ કે તેમણે સમાજના એવા વર્ગોને સ્પર્શ્યા જેમને અત્યાર સુધી હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા.
મહિલા સશક્તિકરણ: આંગણાથી પંચાયત સુધીની સફર
નીતીશ કુમારની સૌથી મોટી તાકાત બિહારની 'મહિલા શક્તિ' છે. કાનૂની અને સામાજિક અવરોધોને બાજુ પર મૂકીને તેમણે પંચાયત અને નગરપાલિકાઓમાં મહિલાઓ અને અતિ પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા કરી. એક સમયે અપરાધ અને હિંસામાં સપડાયેલા બિહારમાં આ એક સામાજિક ક્રાંતિ હતી. 'જીવિકા દીદી' યોજના દ્વારા તેમણે ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરી અને તેમને ઘરના ઉંબરાની બહાર કાઢીને સન્માનજનક જીવન આપ્યું. આના પરિણામે નીતીશ કુમાર મહિલા મતદારોના સૌથી વિશ્વસનીય ચહેરા તરીકે ઉભરી આવ્યા.
'લવ-કુશ' સમીકરણ અને સામાજિક સંતુલન
બિહારના જટિલ જાતિ આધારિત રાજકારણમાં નીતીશ કુમારે 'લવ-કુશ' (કુર્મી અને કોઈરી) જાતિઓ વચ્ચે સેતુ બાંધીને પોતાની વોટબેંક મજબૂત કરી. તેમણે ટિકિટ વિતરણમાં તમામ જ્ઞાતિઓ વચ્ચે ગજબનું સંતુલન જાળવ્યું. વધુમાં, તેમણે રાજ્યમાં બિનસાંપ્રદાયિકતા (Secularism) નું ઉદાહરણ પૂરું પાડ્યું. મુસ્લિમ સમુદાય હોય કે સવર્ણ વર્ગ, નીતીશ કુમારે કોઈના પ્રત્યે કડવાશ રાખી નથી, જેના કારણે સમગ્ર રાજ્યમાં એવો સંદેશ ગયો કે "નીતીશ કુમાર સૌના છે."
દારૂબંધી અને ભાજપનો સાથ
રાજ્યમાં દારૂબંધી લાગુ કરવાનો નિર્ણય ભલે વિવાદાસ્પદ રહ્યો હોય, પરંતુ ઘરેલું મહિલાઓ માટે તે આશીર્વાદ સમાન સાબિત થયો અને તેઓ નીતીશના સમર્થનમાં અડગ રહી. ચૂંટણી પહેલા મહિલાઓને 10,000 રૂપિયા જેવી આર્થિક સહાયના નિર્ણયો પણ ગેમચેન્જર સાબિત થયા. અંતે, ભાજપ સાથેનું તેમનું ગઠબંધન સોનામાં સુગંધ ભળવા જેવું બન્યું. ભાજપના સંગઠન અને પીએમ મોદીની લોકપ્રિયતા સાથે નીતીશ કુમારની 'સુશાસન'ની છબી ભળી જતા NDA એ 200 બેઠકોનો આંકડો પાર કરી લીધો.





















