Bihar Government Formation: નીતીશ કુમારે ઘૂંટણ ટેક્યા? ભાજપની આ 2 જીદ સામે JDU લાચાર, જાણો શું ગુમાવ્યું
સ્પીકર પદ અને ડેપ્યુટી CM ના મુદ્દે ભાજપની જીત, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાનું સ્થાન યથાવત; આવતીકાલે ભવ્ય શપથવિધિ.

bihar politics: બિહારમાં નવી સરકારની રચનાના સમીકરણો હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયા છે, પરંતુ ગઠબંધનના આંતરિક ગણિતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નું પલડું ભારે રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી JDU એ ભાજપની બે મહત્વની માંગણીઓ સામે ઝુકવું પડ્યું છે. JDU ની ઈચ્છા વિરુદ્ધ, વિધાનસભા સ્પીકરનું મહત્વનું પદ ભાજપને સોંપવાનો નિર્ણય લેવાયો છે અને સાથે જ રાજ્યમાં 'એક નહીં પણ બે' નાયબ મુખ્યમંત્રીઓની જૂની ફોર્મ્યુલા પણ યથાવત રાખવામાં આવી છે. આ સાથે જ નીતીશ કુમાર NDA ના નેતા તરીકે ચૂંટાયા છે અને આવતીકાલે શપથ લેશે.
ભાજપની બે શરતો અને નીતીશની મંજૂરી
બિહારમાં સત્તાની સાઠમારી વચ્ચે ભાજપે પોતાની પકડ મજબૂત કરી છે. સરકાર રચનાની પ્રક્રિયા દરમિયાન નીતીશ કુમાર ગઠબંધન ધર્મ નિભાવતા ભાજપની બે મુખ્ય માંગણીઓ સ્વીકારવા મજબૂર થયા છે.
સ્પીકર પદ: JDU એ વિધાનસભા સ્પીકર પદ પર દાવો કર્યો હતો, પરંતુ આખરે આ મહત્વનું પદ ભાજપના ફાળે ગયું છે.
બે ડેપ્યુટી CM: JDU એ શરત મૂકી હતી કે જો સ્પીકર ભાજપના હોય તો ડેપ્યુટી CM એક જ હોવા જોઈએ. પરંતુ ભાજપે આ પણ નકાર્યું. પરિણામે, ગત ટર્મની જેમ જ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા બંને નાયબ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે.
આમ, ભાજપને જે જોઈતું હતું તે મેળવવામાં સફળતા મળી છે.
ગાંધી મેદાનમાં આવતીકાલે શક્તિ પ્રદર્શન
હવે તમામની નજર આવતીકાલે યોજાનાર ભવ્ય શપથવિધિ સમારોહ પર છે. ગુરુવારે (20 November) સવારે 11:30 વાગ્યે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નીતીશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત, NDA શાસિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.
રાજભવનમાં સરકાર રચવાનો દાવો
બુધવારનો દિવસ બિહારના રાજકારણ માટે હલચલભર્યો રહ્યો હતો. દિવસની શરૂઆતમાં JDU અને ભાજપની અલગ-અલગ ધારાસભ્ય દળની બેઠકો મળી હતી, જેમાં અનુક્રમે નીતીશ કુમાર અને સમ્રાટ ચૌધરીને પક્ષના નેતા તરીકે પસંદ કરાયા હતા. ત્યારબાદ વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં મળેલી NDA ની સંયુક્ત બેઠકમાં નીતીશ કુમારને સર્વાનુમતે ગઠબંધનના નેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નીતીશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું સોંપ્યું હતું અને સમર્થન પત્ર સાથે નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.





















