ઓમિક્રોન અને કોરોનાના ખતરા વચ્ચે વધુ એક રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો શુ લગાવાયા પ્રતિબંધો
બિહારમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જોતા રાજ્યભરમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પટના: બિહારમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જોતા રાજ્યભરમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી વ્યવસ્થાપન કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે રાજ્યમાં નાઈટ કર્ફ્યુ 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી લાગુ રહેશે, જે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. નાઇટ કર્ફ્યુ લાગુ કરવા ઉપરાંત, રાજ્યમાં તમામ જીમ, મોલ અને પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવશ્યક સેવાઓને લગતી દુકાનો સિવાય રાજ્યભરની તમામ દુકાનો રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તે જ સમયે, ધોરણ 9 થી 12 સુધીના વર્ગો અને તમામ કોલેજો 50 ટકા હાજરી સાથે ખુલશે. સાથે જ આ તમામ જગ્યાઓ પર ઓનલાઈન ક્લાસને પ્રાથમિકતા આપવા માટે કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. બીજી તરફ 240 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,287 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા છે. આજે 8,73,457 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોનાના કુલ કેસ 3,49,60,261 છે, જ્યારે 1,71,830 એક્ટિવ કેસ છે. દેશમાં ઓમિક્રોનના કુલ 1892 કેસ નોંધાયા. જેમાંથી 766 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. અત્યાર સુધીમાં 3,43,06,414 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો અત્યાર સુધીમાં કુલ 4,82,017 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,46,70,18,464 લોકોનું રસીકરણ કરાયું છે.