Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar politics update: ચૂંટણીમાં કારમી હાર બાદ હવે 'ઓપરેશન લોટસ'નો ડર, જાણો કોણ છે તે 6 ધારાસભ્યો જે પક્ષપલટો કરી શકે છે.

Bihar politics update: બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા ભૂકંપના એંધાણ વર્તાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ પાર્ટી હવે રાજ્યમાં પોતાનું અસ્તિત્વ ગુમાવવાના આરે છે. વિશ્વસનીય સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસની ટિકિટ પર જીતેલા તમામ 6 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) માં જોડાવા માટે તૈયાર છે. જો આમ થશે તો બિહાર વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા શૂન્ય થઈ જશે, જે પાર્ટી માટે અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો સાબિત થશે.
બિહાર કોંગ્રેસમાં ભંગાણની ભીતિ
ચૂંટણી પરિણામો આવ્યાને હજુ ઝાઝો સમય થયો નથી ત્યાં બિહાર કોંગ્રેસમાં મોટી ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના તમામ 6 વિજેતા ધારાસભ્યો પક્ષના નેતૃત્વથી નારાજ છે અથવા સત્તામાં ભાગીદાર થવા ઈચ્છે છે. તેઓ ટૂંક સમયમાં વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરીને NDA ગઠબંધનનો ભાગ બની શકે છે. જો તમામ ધારાસભ્યો પક્ષપલટો કરે છે, તો પક્ષપલટા વિરોધી કાયદો પણ લાગુ થશે નહીં અને કોંગ્રેસ ગૃહમાં સંપૂર્ણપણે ખાલી થઈ જશે.
કોણ છે આ 6 ધારાસભ્યો?
બિહારની કુલ 243 બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર 6 બેઠકો પર જીત મેળવી શકી હતી. NDA માં જોડાવાની શક્યતા ધરાવતા આ ધારાસભ્યો અને તેમની બેઠકો નીચે મુજબ છે:
સુરેન્દ્ર પ્રસાદ (વાલ્મિકી નગર)
અભિષેક રંજન (ચાણપટિયા)
મનોજ વિશ્વાસ (ફોર્બ્સગંજ)
અબીદુર રહેમાન (અરરિયા)
મોહમ્મદ કમરુલ હોડા (કિશનગંજ)
મનોહર પ્રસાદ સિંહ (મણિહારી)
મહાગઠબંધનનું પતન અને આંકડાકીય રમત
કોંગ્રેસે આ ચૂંટણી RJD (રાષ્ટ્રીય જનતા દળ) ના નેતૃત્વવાળા 'મહાગઠબંધન'ના સાથી પક્ષ તરીકે લડી હતી. કોંગ્રેસને કુલ 61 બેઠકો ફાળવવામાં આવી હતી, પરંતુ તેમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. પાર્ટીને કુલ મતના માત્ર 8.71% મત મળ્યા અને તે 61 માંથી માત્ર 6 બેઠકો જીતી શકી. સરખામણી કરીએ તો, 2020 ની ચૂંટણીમાં કોંગ્રેસે 19 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
વિપક્ષની દયનીય સ્થિતિ
વર્ષ 2020 માં 100 થી વધુ બેઠકો જીતનાર મહાગઠબંધન આ વખતે માત્ર 40 થી ઓછી બેઠકોમાં સમેટાઈ ગયું છે. ગઠબંધનમાં RJD 25 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે, જ્યારે કોંગ્રેસ 6 બેઠકો સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત ડાબેરી પક્ષોને 3 અને IIP ને માત્ર 1 બેઠક મળી છે. જો કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડી દેશે, તો બિહારમાં વિપક્ષનું નામોનિશાન લગભગ નામશેષ થઈ જશે અને NDA ની તાકાત અનેકગણી વધી જશે.





















