સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
અંદાજે 1500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો.

અંદાજે 1500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. કલેક્ટરના નિવાસસ્થાનેથી EDએ 100 ફાઈલ જપ્ત કરી તો નાયબ મામલતદારના ઘરેથી 67.50 લાખની રોકડ મળી આવી હતી. 1500 કરોડના જમીન બીન ખેતી કરાવવાના કૌભાંડમાં EDએ 23 ડિસેમ્બરના કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે. આરોપ છે કે, નાયબ મામલતદાર જમીન NA કરાવવા ચોરસ મીટર દીઠ રૂપિયા વસૂલતો હતો. ચંદ્રસિંહ મોરીને અદાલતમાં રજૂ કરી ઈડીએ 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પદ્ધતિસર ચાલતા કૌભાંડનો ઈડીએ પર્દાફાશ કરતા મહેસૂલ વિભાગ સાથે જોડાયેલા રાજ્યભરના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. EDની કાર્યવાહી બાદ રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરના કલેક્ટરને પદ પરથી હટાવી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો ચાર્જ સોંપ્યો હતો. રાજેન્દ્ર પટેલ 2015ની બેચના IAS અધિકારી છે, આ કેસમાં તેમની ધરપકડ થયા બાદ તેમને સસ્પેન્ડ પણ કરાશે.
કલેક્ટર પાસેથી ચાર્જ છીનવાયો, DDO ને સોંપાઈ જવાબદારી
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વનો નિર્ણય લેતા સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની બદલીના આદેશો જારી કર્યા છે. જ્યાં સુધી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી તેમને કોઈ પોસ્ટિંગ અપાયું નથી અને તેમની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી છે. હાલમાં સુરેન્દ્રનગર કલેક્ટરનો વધારાનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને સોંપવામાં આવ્યો છે.
1500 કરોડનું કૌભાંડ અને ACB ની કાર્યવાહી
સુરેન્દ્રનગરમાં બિનખેતી (NA - Non-Agricultural) જમીન રૂપાંતરણમાં આશરે 1500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ED ના ઇનપુટના આધારે ACB એ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ (PA) જયરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક (Illegal Network) ચાલી રહ્યું હતું.
ED ના દરોડામાં રોકડ અને 100 જેટલી ફાઈલો મળી
મંગળવારે વહેલી સવારે ED ની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. દરોડા (Raids) દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. વધુમાં, કલેક્ટરના સરકારી બંગલેથી 100 જેટલી શંકાસ્પદ ફાઈલો કબજે કરવામાં આવી હતી, જે ઘરે લઈ જવી નિયમ વિરુદ્ધ છે. ED ને મોબાઈલ ડેટામાંથી નાણાકીય લેવડદેવડના પુરાવા પણ મળ્યા છે.





















