Maharashtra: શું મહારાષ્ટ્ર સરકારમાં નારાજ ચાલી રહ્યા છે અજિત પવાર, જાણો કેમ ઉઠી રહ્યા છે સવાલ ?
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીના પ્રવાસે છે. સીએમ શિંદે અને ફડણવીસ દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળશે.
Maharashtra News: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીના પ્રવાસે છે. સીએમ શિંદે અને ફડણવીસ દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળશે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ દિલ્હી મુલાકાત પાછળ અજિત પવારની નારાજગી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું વધતું દબાણ કારણભૂત છે. રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિને કારણે આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
અજિત પવાર કેબિનેટની બેઠકમાં પણ હાજર રહ્યા ન હતા
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે ડેપ્યુટી સીએમ અજિત પવાર નારાજ છે. તેઓ રાજ્ય કેબિનેટની બેઠકમાં પણ હાજર રહ્યા ન હતા. કેબિનેટ વિસ્તરણ કરવાનું છે તે અને ગાર્જિયન મંત્રી પદના મુદ્દાનો ઉકેલ ન આવવાને કારણે શિંદે-ફડણવીસ પર NCPનું ઘણું દબાણ છે. આ કારણે બંને દિલ્હીની મુલાકાતે આવ્યા હોવાની ચર્ચા છે. કારણ કે રાજ્ય કેબિનેટના વિસ્તરણ માટે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા જરૂરી છે.
ભાષણ પૂરું કરીને તરત જ દિલ્હી જવા રવાના થયા ફડણવીસ
દેવેંદ્ર ફડણવીસે ભાજપના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી પરંતુ તેમણે સમય પહેલાં તેમનું સમાપન ભાષણ આપ્યું અને પછી તરત જ દિલ્હી જવા રવાના થઈ ગયા. તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભાજપ રાજ્યના રાજકારણીઓનો મોટો ભાઈ છે. તેથી મોટા ભાઈ તરીકે ભાજપે શિવસેના અને એનસીપી માટે થોડુ બલિદાન આપવા તૈયાર રહેવું જોઈએ.
આજની કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સ્વાસ્થ્યના કારણોના લીધે બેઠકમાં હાજર રહ્યા ન હતા. જ્યારે બીજી તરફ તેઓ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર મંત્રીઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પાવર તેમના જૂથના ધારાસભ્યો અને પ્રધાનો સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન દેવગિરી બંગલામાં બેઠક કરી રહ્યા છે.
પ્રફુલ્લ પટેલ, મંત્રી છગન ભુજબળ, મંત્રી સંજય બંસોડે બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. તમને જણાવી દઈએ કે અજિત પવાર આજની કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા ન હતા. અજિત પવાર તબિયતના કારણોસર બેઠકમાં હાજર રહ્યા ન હતા.