શોધખોળ કરો
કૉંગ્રેસનું બ્રાહ્મણ કાર્ડ: સુરજેવાલાએ કહ્યું-કૉંગ્રેસના લોહીમાં બ્રાહ્મણોનું DNA, અમે અનામત અપાવીશું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે દેશની રાજનીતિ વિકાસ અને સુશાસનના મુદ્દા પરથી ઉતરીને જાતિ અને ધર્મ પર આવી ગઈ છે. ભાજપ પર ધર્મ અને જાતિની રાજનીતિનો આરોપ લગાવનારી કૉંગ્રેસે હવે ખુદ બ્રાહ્મણ કાર્ડ રમ્યું છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ હરિયાણામાં એક બ્રાહ્મણ સમ્મેલનમાં ભાગ લીધો હતો. સુરજેવાલાએ કહ્યું કે, કૉંગ્રેસ એવી પાર્ટી છે જેના લોહીમાં બ્રાહ્મણોનું ડીએનએ છે. એટલુંજ નહીં સુરજેવાલાએ બ્રાહ્મણો માટે આરક્ષણની વાત પણ કરી હતી. બ્રાહ્મણ સમ્મેલનમાં સુરજેવાલાએ કહ્યું કે, મારા એક સહયોગીએ પૂછ્યું હતું કે રાહુલ ગાંધીની તસ્વીર, તિરંગા અને કૉંગ્રેસ પાર્ટીના ઝંડા સાથે બ્રાહ્મણ સમ્મેલનનું આયોજન શા માટે કરવામાં આવી રહ્યું છે? મે કહ્યું કે એક દિવસે હું આ વાતનો જવાબ મંચ પરથી આપીશ. મિત્રો ! કૉંગ્રેસ એવી પાર્ટી છે જેના લોહીમાં બ્રાહ્મણ સમાજનું ડીએનએ છે. સુરજેવાલાએ બ્રાહ્મણ સમાજના મત પણ માગ્યા અને જાહેરાત કરી કે હરિયાણામાં કૉંગ્રેસની સરકાર બનશે તો બ્રાહ્મણ વિકાશ બોર્ડનું ગઠન કરવામાં આવશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે સરકાર આવશે તો બ્રાહ્મણોને અનામત અપાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે. સુરજેવાલાએ વડાપ્રધાન મોદી પર સીધા પ્રહાર કરતા કહ્યું કે હરિયાણામાં ભાજપને સત્તા સુધી રામવિલાસ શર્માએ પહોંચાડી. પરંતુ મોદીએ તેને મુખ્યમંત્રી ના બનાવી પોતાના મિત્ર મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવ્યા છે. મુખ્યમંત્રી મનોહર લાલા ખટ્ટર પર પ્રહાર કરતા કહ્યું કે તેમની સરકારે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે. એસએસ બોર્ડની પરીક્ષામાં બ્રાહ્મણોને અપમાનિત કરે તેવા સવાલ પૂછવામાં આવે છે.
વધુ વાંચો




















