આ સ્વદેશી રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ પરિણામ થયા જાહેર, જાણો ડેલ્ટા વેરિયંટ સામે કેટલી અસરદાર છે
ભારત બાયોટેકે ત્રીજા તબક્કાના પરિણામના આધારે જણાવ્યું કે, કોરોના સામેની કોવેક્સિન ઓવરઓલ 77.8 ટકા પ્રભાવશાળી નોંધાઈ છે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ક્રમશઃ ઘટી રહ્યા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વદેશી રસી નિર્માતા કંપની ભારત બાયોટેકે કોવેક્સિનની ત્રીજા અને અંતિમ તબક્કાની ટ્રાયલ પૂરી કરી લીધી છે. આ સાથે જ કંપનીએ સત્તાવાર રીતે ત્રીજા તબક્કાનું રિઝલ્ટ પણ જાહેર કરી દીધું છે. જે મુજબ કોવેક્સિન કોરોનાના ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરિએન્ટના દર્દીઓ પર પણ અસરકારક નોંધાઈ છે. ભારત બાયોટેકે ત્રીજા તબક્કાના પરિણામના આધારે જણાવ્યું કે, કોરોના સામેની કોવેક્સિન વેક્સિન ઓવરઓલ 77.8 ટકા પ્રભાવશાળી નોંધાઈ છે.
ડેલ્ટા વેરિયંટ સામે કેટલી છે અસરકારક
આ વેક્સિન સમગ્ર વિશ્વમાં ભય ફેલાવી રહેલા ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ સામે 65.2 ટકા અસરકારક નોંધાઈ છે. જ્યારે ગંભીર સંક્રમણથી બચાવવામાં કોવેક્સિન 93.4 ટકા અસરકારક ગણાવાઈ છે. Asymptomatic કોરોના દર્દીઓ પર તે 63.6 ટકા અસરકારક સાબિત થઈ છે. કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલથી જાણવા મળ્યું છે કે, તેની ઓવરઓલ અસરકારકતા 77.8 ટકા છે. જ્યારે કોરોના વાયરસના ગંભીર સંક્રમણ પર તેની ઓવરઓલ એફિકેસી 93.4 ટકા છે.
વૃદ્ધો પર કેટલી છે પ્રભાવશાળી
કોવેક્સિન 60 વર્ષ કરતા વધારે ઉંમરના લોકો પર 67.8 ટકા અને 60 વર્ષ કરતા ઓછી ઉંમરના લોકો પર 79.4 ટકા પ્રભાવશાળી છે. જોકે ત્રીજા તબક્કાની ટ્રાયલ દરમિયાન આશરે 99 વોલેન્ટિયર્સમાં ગંભીર આડઅસર પણ જોવા મળી હતી.
Bharat Biotech concludes final analysis for Covaxin efficacy as part of phase 3 clinical trials, after evaluation of 130 confirmed cases. Covaxin's efficacy demonstrated at 77.8% against symptomatic COVID19 patients pic.twitter.com/srCHFoNVZT
— ANI (@ANI) July 3, 2021
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કેસ આવ્યા હતા અને 52,477 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 738 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 51મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 34 કરોડ 46 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.