COVID-19 Vaccination: દેશમાં ઘટી રહી છે રસીકરણની ગતિ, ગુજરાત સહિત માત્ર આ 6 રાજ્યમાં એક કરોડથી વધુ ડોઝ અપાયા
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવી દીધો છે. બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે કોરોના મહામારી (Corona Crisis) સામે જંગ જીતવા માટે રસીકરણ સૌથી મોટુ હથિયાર માનવામાં આવી રહ્યું છે. પરંતુ વર્તમાન સ્થિતિન જોતા દેશમાં રસીકરણ (Vaccinations)ની ગતિમાં ઘટાડો આવી રહ્યો છે. અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વર્તાઈ છે. જેના કારણે રસીકરણનો ગ્રાફ ડાઉન થઈ રહ્યો છે. એવામાં સવાલ ઉઠી રહ્યાં છે કેવી રીતે મળશે કોરોનાથી રાહત ?
શુક્રવારે દેશભરમાં માત્ર 11 લાખ 3 હજાર રસી મૂકવામાં આવી હતી. તેમાંથી પણ 6 લાખ 29 હજાર લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે 4 લાખ 74 હજાર લોકોને બીજી ડોઝ આપવામાં આવ્યો. જે ખૂબજ ધીમી ગતિ છે. આ પહેલા ગુરુવારે 23 લાખ, બુધવારે 21 લાખ, મંગળવારે 27 લાખ ડોઝ આપવામાં આવ્યા. અત્યાર સુધી દેશમાં 18 કરોડ ડોઝ આપવામાં આવ્યી ચૂક્યા છે. તેમાંથી 13 કરોડ 93 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.
માત્ર 6 રાજ્યમાં એક કરોડથી વધુ વેક્સિનના ડોઝ અપાયા
દેશેમાં વેક્સિનની અછત સૌથી મોટો પડકાર બની ગઈ છે. દેશમાં માત્ર છ રાજ્ય એવા છે જ્યાં એક કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. જેમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્ય સામેલ છે.
દેશમાં આગામી બે મહિનામાં વેક્સિનનું સંકટ દૂર થવાનું અનુમાન છે. એમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે સંભવત આગામી બે મહિનામાં રસી મોટી માત્રામાં ઉપલબ્ધ થશે કારણ કે વેક્સિન બનાવનારી કંપનીઓ ભારતમાં ઉત્પાદન શરુ કરી દેશે. તે સિવાય બહારથી પણ વેક્સિન આવશે. જો કે, ડૉ ગુલેરિયાએ એ પણ કહ્યું કે, વેશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે વેક્સિનની હંમેશા કંઈક ને કંઈક અછત રહેશે.
કેન્દ્ર સરકારે શુક્રવારે આગામી પખવાડિયામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 16 થી 31 મે દરમિયાન લગભગ 192 લાખ કોવિડ રસી પહોંચાડવાની જાહેરાત કરી છે. આ પખવાડિયા દરમિયાન, કોવિશિલ્ડ અને કોવેક્સિનના 191.99 લાખ ડોઝ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે પૂરા પાડવામાં આવશે.