‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
ગેનીબેન ઠાકોર સામે મોરચો મંડાયો છે. પાટણના હાસાપુરમાં મળેલી બેઠકમાં સાઉન્ડ સિસ્ટમ માલિકોએ આક્રોશ વ્યક્ત કરતા નેતાઓની સભામાં સાઉન્ડ ન આપવાનો નિર્ણય કર્યો છે અને સાધનો સળગાવી દેવાની ધમકી આપી છે.

Thakor Samaj Rules: ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ (Thakor Samaj) દ્વારા સામાજિક સુધારણાના ભાગરૂપે લેવાયેલા કેટલાક કડક નિર્ણયોના હવે ઘેરા પ્રત્યાઘાતો પડવાના શરૂ થયા છે. સમાજે લગ્ન પ્રસંગોમાં ડીજે (DJ Sound System) વગાડવા પર પ્રતિબંધ મુકતા સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પાટણના હાસાપુર વિસ્તારમાં ઉત્તર ગુજરાતના સાઉન્ડ સિસ્ટમ માલિકોની એક તાકીદની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ બેઠકમાં સાઉન્ડ સિસ્ટમના માલિકોએ પોતાની રોજીરોટી છીનવાઈ રહી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કેટલાક રોષે ભરાયેલા માલિકોએ અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, "જો અમારો ડીજેનો ધંધો બંધ થઈ જશે, તો પેટ ભરવા માટે અમે હવે દારૂ ગાળવાનો અને વેચવાનો (Liquor Business) ધંધો શરૂ કરીશું." ઉલ્લેખનીય છે કે, ઠાકોર સમાજે પોતાના બંધારણમાં દારૂબંધી પર ભાર મૂક્યો છે, ત્યારે આ નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે.
બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) અને સમાજના અન્ય નેતાઓ સામે ખુલ્લો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાઉન્ડ એસોસિએશને સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે હવેથી કોઈપણ રાજકીય નેતાની સભામાં સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવામાં આવશે નહીં. આ બહિષ્કાર દ્વારા તેઓ પોતાની તાકાત બતાવવા માંગે છે.
વાતાવરણ એટલું તંગ હતું કે માલિકોએ ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારી છે. તેમણે ચેતવણી આપી છે કે એસોસિએશનના નિર્ણય વિરુદ્ધ જઈને જો કોઈ માલિક ગેનીબેન ઠાકોરના કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ લગાવશે, તો તેનું સાઉન્ડ અને સાધનો સળગાવી દેવામાં આવશે. આ ધમકીએ વિવાદને વધુ ગંભીર બનાવી દીધો છે.
આ સમગ્ર વિવાદનું મૂળ ઠાકોર સમાજના 16 નવા નિયમોમાં રહેલું છે. તાજેતરમાં સમાજે કુરિવાજો અને ખોટા ખર્ચાઓ રોકવા માટે એક નવું 'સામાજિક બંધારણ' ઘડ્યું છે. જેમાં લગ્નપ્રસંગે ડીજે કે મોટા સ્પીકર પર પ્રતિબંધ મૂકીને માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત સગાઈમાં માત્ર 21 લોકોની હાજરી અને ભેટમાં માત્ર 1 રૂપિયો અને શ્રીફળ આપવાનો નિયમ બનાવાયો છે.
નવા બંધારણમાં લગ્ન અને જાન માટે પણ કડક નિયમો છે. વર્ષમાં માત્ર બે મહિના (મહા અને વૈશાખ) જ લગ્ન યોજવા, જાનમાં મહત્તમ 100 લોકો અને 11 વાહનો જ લઈ જવા તેમજ સનરૂફવાળી ગાડીઓ પર પ્રતિબંધ મુકાયો છે. હલ્દી રસમ અને પ્રી-વેડિંગ જેવા ખર્ચાળ રિવાજો બંધ કરીને બચાવેલું ધન શિક્ષણ પાછળ ખર્ચવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
સમાજનો મુખ્ય હેતુ ખોટા ખર્ચ અટકાવીને સમાજને શિક્ષણ (Education) અને વ્યસનમુક્તિ તરફ વાળવાનો છે. જોકે, આ સુધારાથી એક મોટા વર્ગની રોજગારી પર સીધી અસર પડી રહી છે, જેના કારણે હવે આ મામલો સામાજિક સંઘર્ષ તરફ વળી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.





















