
Dawood : દાઉદનો દુબઈ જઈ ઈન્ટરવ્યુ કરનાર મહિલા પત્રકારે કર્યા ચોંકાવનારા ખુલાસા
શીલા ભટ્ટ કહે છે કે, મોહમ્મદ અલી રોડ પર બાળકોનો રિમાન્ડ રૂમ હતો જે પોલીસ ચલાવતી હતી. તેને જેલ રોડ પણ કહેવામાં આવતો હતો.

Sheela Bhatt On Dawood Ibrahim : જાણીતા વરિષ્ઠ ક્રાઈમ રિપોર્ટર શીલા ભટ્ટે મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઈન્ટરવ્યુની આખી કહાની વર્ણવી છે. તેમણે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેમને વર્ષ 1981-82માં દાઉદ ઈબ્રાહિમનો ફોન આવ્યો હતો. આ દરમિયાન તે માત્ર આતંકવાદી જ નહીં પરંતુ એક અપરાધી જ હતો.
શીલા ભટ્ટ કહે છે કે, મોહમ્મદ અલી રોડ પર બાળકોનો રિમાન્ડ રૂમ હતો જે પોલીસ ચલાવતી હતી. તેને જેલ રોડ પણ કહેવામાં આવતો હતો. અહીં કરીમ લાલા ગેંગના અફઘાન અને પઠાણ લોકો અહીંની યુવતીઓની છેડતી કરતા હતા. જેથી આ વાતને લઈને દાઉદ અને પઠાણ વચ્ચે લડાઈ થતી હતી. દાઉદે મને આ સમસ્યા વિશે જણાવવા માટે જ ફોન કરીને બોલાવી હતી.
શીલા ભટ્ટે આગળ ઉમેરતા કહ્યું હતું કે, મને દાઉદ ઈબ્રાહિમે જેલ રોડ પાસે મળવા બોલાવી હતી. અહીંથી મને અને મારા પતિને કારમાં લઈ જવામાં આવ્યા હતા. અમે પહોંચ્યા ત્યારે ઈબ્રાહિમ અને છોટા શકીલ બેઠા હતા. અમે અહીં દાઉદને જાણવા ગયા હતા. તેનું માત્ર એટલું જ કહેવું હતું કે, કરીમ લાલા ખરાબ માણસ છે. મેં આ વાતનો ઉલ્લેખ માત્ર એક સ્ટોરીમાં કર્યો હતો.
ગુજરાતમાં દાઉદ ઈબ્રાહિમે શું કહ્યું?
શીલા ભટ્ટ વધુમાં કહે છે, હું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા માટે ગુજરાતમાં જતી હતી. આ દરમિયાન હું તત્કાલિન ગૃહમંત્રી પ્રબોધ રાવલને મળી અને તેમની મદદ માંગી અને બરોડા જેલમાં જવાની પરવાનગી માંગી. મને પરવાનગી આપવામાં આવી. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે જેલમાં મેં જોયું કે દાઉદ ઈબ્રાહિમ ફૂટબોલ રમી રહ્યો હતો. તેણે મને આ દરમિયાન કહ્યું હતું કે, હું આલમ ઝેબને નહીં છોડું. મેં તે છાપ્યું. થોડા દિવસો પછી આલમ ઝેબનું અવસાન થયું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મને આ કેસમાં સાક્ષી તરીકે બોલાવી હતી.
ઇન્ટરવ્યુમાં દાઉદ ઇબ્રાહિમે શું કહ્યું?
શીલા ભટ્ટે આગળ ઉમેર્યું હતું ક, દાઉદે દેશ છોડીને સૌથી મોટી ભૂલ કરી હતી. તે દુબઈ ગયો હતો. આ દરમિયાન બોમ્બે ટાઈમ્સમાં એક સ્ટોરી આવી હતી કે, તે અહીંથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરતો હતો. ત્યાર બાદ મેં 1988માં ઈબ્રાહિમને ફોન કર્યો. હું દુબઈ પહોંચી. હું અહીં એક મિત્રની મદદથી દુબઈમાંથી જ એક ફોટોગ્રાફર હાયર કરી લીધો હતો. ત્યાર બાદ હું પર્લ બિલ્ડિંગમાં ગઈ હતી પરંતુ ફોટોગ્રાફરને ખબર પડી ગઈ કે, હું દાઉદ ઈબ્રાહિમનો ઈન્ટરવ્યુ લેવા આવી છું તો તે ભાગી ગયો. જોકે તે મને કૅમેરો આપતો ગયો. પરંતુ પહેલા દિવસે તો તેણે મને ઇન્ટરવ્યુ ના આપ્યો.
ભટ્ટે જુની વાતોને વાગોળતા કહ્યું હતું કે, હું બીજા દિવસે પાછી આવી. આ દરમિયાન તેણે ભારતમાં દાઉદના ડ્રગ્સનો ધંધો સંભાળતા અબ્દુલ્લાની હાજરીમાં પણ ઈન્ટરવ્યુ લેવાની ના પાડી. પરંતુ વાતચીત દરમિયાન દાઉદે કહ્યું કે, તેણે ત્રણ હત્યાઓ કરી છે. તેણે જ આલમ ઝેબને પણ મારી નાખ્યો હતો. તેણે મારી સાથેની ડાયરી જોઈ. આખરે ત્રીજા દિવસે દાઉદે મને ઈન્ટરવ્યુ આપ્યો, પણ બીજા દિવસે જ મુંબઈ એરપોર્ટ પરથી મારી ડાયરી ચોરાઈ ગઈ. મને લાગ્યું હતું કે, દાઉદ ડરી ગયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
