Defamation Case: 'મોદી સરનેમ' મામલે રાહુલ ગાંધી સુપ્રીમમાં
સુરતની કોર્ટ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે બે વર્ષની સજા ફટકારી હતી. આ સજા બાદ રાહુલ ગાંધીએ સાંસદ પદ ગુમાવવુ પડ્યું હતું.
![Defamation Case: 'મોદી સરનેમ' મામલે રાહુલ ગાંધી સુપ્રીમમાં Defamation Case: Rahul Gandhi Moves Supreme Court after Gujarat High Court Refused to put stay on his Conviction in Modi Surname Case Defamation Case: 'મોદી સરનેમ' મામલે રાહુલ ગાંધી સુપ્રીમમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/15/2c98ea35196da6844b7f787ff4082f8c1689420630369724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Defamation Case: રાહુલ ગાંધીએ તેમની 'મોદી સરનેમ' ટીપ્પણી માટે માનહાનિના કેસમાં દોષિત ઠરાવવાના ગુજરાત હાઇકોર્ટના ઇનકાર સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુરતની કોર્ટ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે બે વર્ષની સજા ફટકારી હતી. આ સજા બાદ રાહુલ ગાંધીએ સાંસદ પદ ગુમાવવુ પડ્યું હતું. સુરત કોર્ટના આ ચુકાદાને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે આ મામલે કોઈ જ રાહત ના આપતા આખરે રાહુલ ગાંધીએ દેશની વડી અદાલતના દરવાજા ખખડાવ્યા છે.
કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ હવે 'મોદી સરનેમ' મુદ્દે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે શનિવારે (15 જુલાઈ) ગુજરાત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. 7 જુલાઈના રોજ, ગુજરાત હાઈકોર્ટે આ માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવા માટે રાહુલ ગાંધીની રિવિઝન અરજીને ફગાવી દીધી હતી.
હાઈકોર્ટે રાહુલની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ કારણે રાહુલ હાલમાં સાંસદ રહેવા કે ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. રાહુલની અરજી આજે શનિવારે જ દાખલ કરવામાં આવી છે. શક્ય છે કે સોમવારે તેમના વકીલ ચીફ જસ્ટિસને વહેલી સુનાવણી માટે વિનંતી કરશે.
મોદી સરનેમના માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. તે હાલમાં જામીન પર બહાર છે, પરંતુ તેને દોષિત ઠેરવવાને કારણે સાંસદ બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ માનહાનિનો કેસ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવ્યો હતો.
લલિત મોદી અને નીરવ મોદીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે બધા ચોરોની સરનેમ કેમ હોય છે. તેમની ટિપ્પણી બાદ ગુજરાત ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની બદનામી થઈ છે.
આ કેસમાં ગુજરાતના સુરતની એક કોર્ટે 23 માર્ચ, 2023ના રોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યાર બાદ તેમને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જો કે, તે જ દિવસે તેમને જામીન પણ મંજૂર કરવામાં આવ્યા હતા જેથી તે 30 દિવસની અંદર તેમની સજા સામે અપીલ કરી શકે.
તેમની સજા સામે વાંધો ઉઠાવતા રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમની સજા પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. જેને 20 એપ્રિલે ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટે પણ તેમની રિવિઝન અરજી ફગાવી દીધી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)