કેજરીવાલના આ પગલાથી દિલ્હીથી પંજાબ સુધી ખળભળાટ, ભાજપના આ મોટા નેતાને તેમના ઘરે જઈને મળ્યા
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે અમૃતસરમાં બીજેપી નેતા લક્ષ્મી કાંતા ચાવલા સાથે મુલાકાત કરી, રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા.

Arvind Kejriwal BJP meeting: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની મુલાકાત દરમિયાન એવું પગલું ભર્યું છે, જેના કારણે દિલ્હીથી લઈને પંજાબ સુધીના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અરવિંદ કેજરીવાલ શનિવારે (15 માર્ચ) અમૃતસર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લક્ષ્મી કાંતા ચાવલાના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી.
આ મુલાકાતને લઈને રાજકીય નિરીક્ષકો અને પક્ષના કાર્યકરોમાં અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બીજેપી નેતા લક્ષ્મીકાંત ચાવલા સાથેની આ મુલાકાત અંગે જ્યારે ભાજપના સાંસદ રામવીર સિંહ બિધુરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે કેજરીવાલ કોને મળ્યા અને કોને નહીં, આ તેમનો અંગત મામલો છે.
બીજી તરફ, અરવિંદ કેજરીવાલ અને બીજેપી નેતા લક્ષ્મી કાંતા ચાવલાની આ મુલાકાત પર દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ ટીપ્પણી કરતાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ અલગ-અલગ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય છે અથવા નિરાશ થાય છે, ત્યારે તે નવો રસ્તો શોધે છે. સિરસાએ એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભલે લક્ષ્મી કાંતા ચાવલાના ઘરે જાય, પરંતુ તેઓ ક્યારેય ભાજપમાં જોડાશે નહીં અને ભાજપ તેમને ક્યારેય સ્વીકારશે પણ નહીં.
મંત્રી મનજિંદર સિંહ સિરસાએ વિપક્ષી પાર્ટી AAP દ્વારા ભાજપની યોજનાઓ પર સતત સવાલો ઉઠાવવા અંગે પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હતાશ છે અને દિલ્હીની સત્તા ગુમાવ્યા બાદ અરવિંદ કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી શોધી રહ્યા છે અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા કેજરીવાલ તાજેતરમાં જ 10 દિવસની વિપશ્યના પૂર્ણ કરીને પરત ફર્યા છે. વિપશ્યના બાદ તેઓ સીધા અમૃતસર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ડૉ. ઈન્દરબીર સિંહ નિજ્જર સાથે પણ મુલાકાત કરી હતી.
હવે અરવિંદ કેજરીવાલ અમૃતસરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ધારાસભ્યોની બેઠકમાં પણ ભાગ લેશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન 18 માર્ચે લુધિયાણામાં એક મોટી રેલીને સંબોધિત કરવાના છે. અરવિંદ કેજરીવાલની ભાજપના નેતા સાથેની આ મુલાકાત આગામી દિવસોમાં રાજકીય સમીકરણો પર શું અસર કરે છે તે જોવાનું રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
