Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલને કાલે કરવું પડશે સરેન્ડર, કોર્ટે આપ્યો ઝટકો
દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે
Delhi Liquor Policy Case: દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આપ્યો નથી. આ જોતાં કેજરીવાલે આવતીકાલે 2, જૂને તિહાર જેલમાં જઈને સરેન્ડર કરવું પડશે. વાસ્તવમાં કોર્ટે 10 મેના રોજ ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા. તેમના જામીન 2 જૂને પૂર્ણ થાય છે અને તેમણે રવિવારે સરેન્ડર કરવું પડશે.
Delhi Court reserves the order on the interim bail plea moved by Delhi CM Arvind Kejriwal citing medical grounds. The court fixed June 5 for the pronouncement of the order. pic.twitter.com/3r6ReF6tNg
— ANI (@ANI) June 1, 2024
EDએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે તથ્યો છૂપાવ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય સહિત ઘણા મુદ્દાઓ પર ખોટા નિવેદનો આપ્યા હતા. આના જવાબમાં કેજરીવાલના વકીલે કહ્યું કે તે (કેજરીવાલ) બીમાર છે અને સારવારની જરૂર છે.
કોણે શું દલીલ આપી?
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ મેડિકલ ટેસ્ટ કરાવવાને બદલે સતત રેલીઓ કરી રહ્યા છે. મતલબ કે કેજરીવાલનો સાત કિલો વજન ઓછું થયાનો દાવો ખોટો છે. તુષાર મહેતાએ વધુમાં દાવો કર્યો કે કેજરીવાલનું વજન એક કિલો વધી ગયું છે.
કેજરીવાલના વકીલ હરિહરને કહ્યું કે ઇડી એ સૂચન આપવાનો પ્રયાસ કરી રહી છે કે જે વ્યક્તિ બીમાર છે અથવા જેની તબિયત ખરાબ છે તેને કોઈ સારવાર નહીં મળે? આ કલમ 21નો અધિકાર છે.
અરવિંદ કેજરીવાલે કયા આધારે અરજી દાખલ કરી?
કેજરીવાલે વચગાળાના જામીનની મુદ્દત વધારવાની માંગ કરતા કહ્યું કે અચાનક અને અસ્પષ્ટ રીતે તેમના વજનમાં ઘટાડો થયો છે અને સાથે સાથે કીટોનનું સ્તર વધી રહ્યું છે. જેના કારણે સીટી સ્કેન સહિત અનેક મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે.
સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે
તાજેતરમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કેજરીવાલની અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો. રજિસ્ટ્રીએ કહ્યું હતું કે કેજરીવાલને નિયમિત જામીન માટે નીચલી અદાલતમાં જવાની સ્વતંત્રતા આપવામાં આવી હોવાથી સંબંધિત અરજી સુનાવણી યોગ્ય નથી.