Delhi: દિલ્હી પોલીસે 500 કિલોથી વધુ કોકીન કર્યું જપ્ત, મુખ્ય આરોપીના કોંગ્રેસ કનેક્શનની થઇ રહી છે ચર્ચા
દિલ્હીની સ્પેશિયલ સેલ પોલીસે 2,000 કરોડથી વધુની કિંમતનું 500 કિલો કોકીન જપ્ત કર્યું છે.
Drug Bust: દિલ્હીની સ્પેશિયલ સેલ પોલીસે 2,000 કરોડથી વધુની કિંમતનું 500 કિલો કોકીન જપ્ત કર્યું છે. આ દિલ્હી અને ઉત્તર ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ કન્સાઈનમેન્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. છે. લોકમતના રિપોર્ટ અનુસાર, જપ્ત કરવામાં આવેલું કોકીન દક્ષિણ અમેરિકામાંથી મંગાવવામાંથી આવ્યું હતું. જે સમગ્ર ભારતમાં ખાસ કરીને આગામી તહેવારોની સીઝન અને કેટલાક હાઇ-પ્રોફાઇલ કોન્સર્ટ દરમિયાન ડ્રગ્સ સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યું હતું. આ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે દક્ષિણ દિલ્હીના મહિપાલપુરમાંથી ચાર લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ દિલ્હીના રહેવાસી તુષાર ગોયલ (40), હિમાંશુ કુમાર (27) અને ઔરંગઝેબ સિદ્દીકી (23) અને મુંબઈના રહેવાસી ભરત કુમાર જૈન (48)ની રૂપમાં થઇ હતી.
2000 કરોડથી વધુ છે કિંમત
ડ્રગ્સને લઇને અનેક મીડિયા રિપોર્ટ્સમાં અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસના મતે તેણે ઓછામાં ઓછું 500 કિલોગ્રામ કોકીન જપ્ત કર્યું છે. જોકે કેટલાક અહેવાલો દાવો કરે છે કે આ આંકડો 540-560 કિલોગ્રામ સુધી હોઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર, આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2,000 કરોડ રૂપિયાથી વધુ છે. જો કે, એજન્સીના અંદાજમાં પાછળથી આ આંકડો સુધારીને 5,620 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. જોકે કોકીનનો ચોક્કસ જથ્થો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત હજુ સ્પષ્ટ નથી.
આરોપીઓનું કોંગ્રેસ સાથે કનેક્શન
તુષાર ગોયલ દિલ્હી કોંગ્રેસમાં RTI સેલનો વડો રહી ચૂક્યો છે. ડ્રગ્સનું કોંગ્રેસ કનેક્શન સામે આવતાં જ રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ પાસે ખુલાસો માંગવા ઉપરાંત ડ્રગ્સના વેપારમાંથી મળેલા નાણાંનો ચૂંટણી દરમિયાન ઉપયોગ થાય છે કે કેમ તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે. આ મુદ્દે ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યું છે.
ડ્રગ્સ સપ્લાયનો મુખ્ય આરોપી તુષાર ગોયલ છે. ગોયલ ઉપરાંત તેના ત્રણ સાથીઓએ સમગ્ર ઓપરેશનમાં અલગ-અલગ ભૂમિકા ભજવી હતી. ગોયલના ડ્રાઇવર તરીકે કામ કરતા ઔરંગઝેબ સિદ્દીકીએ ડ્રગ્સની સપ્લાયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.