દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
Delhi Police seized Cocaine: આ અગાઉ દિલ્હી પોલીસે મહિપાલપુર વિસ્તારમાં કોકેઈનનો મોટો જથ્થો ઝડપ્યો હતો. એક સપ્તાહની અંદર દિલ્હીમાંથી ફરીથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો છે.
Delhi News: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં ફરી મોટી સફળતા મળી છે. રમેશ નગર વિસ્તારમાં એક ગોડાઉનમાંથી પોલીસે 2000 કરોડની કોકેઈન જપ્ત કરી છે. લગભગ 200 કિલો ડ્રગ્સ પોલીસના હાથે લાગ્યા છે. એક અઠવાડિયાની અંદર દિલ્હી પોલીસને મળેલી આ બીજી મોટી સફળતા છે. ગયા અઠવાડિયે મહિપાલપુરથી 560 કિલોગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત લગભગ 5000 કરોડ રૂપિયા હતી.
પૂછપરછમાં પોલીસને મળી સફળતા
આ જ 5000 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સિન્ડિકેટ સાથે જોડાયેલા સાતમા આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ અખલાખ છે જે યુપીના હાપુડનો રહેવાસી છે. અખલાખની પૂછપરછ બાદ જ સ્પેશિયલ સેલે દિલ્હીના રમેશ નગરમાં દરોડો પાડીને 200 કિલો કોકેઈન જપ્ત કરી છે.
કાર્ગો રૂટથી લઈને રોડ રૂટ સુધીની તપાસ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ સમગ્ર સિન્ડિકેટ સાથે જોડાયેલા તમામ એંગલની તપાસ કરી રહી છે. આ કેસમાં કાર્ગો રૂટથી લઈને રસ્તા સુધીની તપાસ કરવામાં આવી રહી છે. જે સાતમા આરોપીની પોલીસે ધરપકડ કરી છે, ડ્રગ્સ સિન્ડિકેટમાં તેની અત્યાર સુધીની ભૂમિકા ટ્રાન્સપોર્ટેશનને લઈને સામે આવી રહી છે.
મહિપાલપુરમાં કોકેઈન મળવાથી મચી ગયો હતો ખળભળાટ
આ પહેલા 2 ઓક્ટોબરે પોલીસે દક્ષિણ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક ગોડાઉનમાંથી 560 કિલોગ્રામથી વધુ કોકેઈન અને 40 કિલોગ્રામ 'હાઈડ્રોપોનિક મારિજુઆના' જપ્ત કર્યા હતા. આમાં એક વ્યક્તિ યુવા કોંગ્રેસનો પૂર્વ સભ્ય હતો જેના પર રાજકારણ શરૂ થઈ ગયું હતું. પછીથી કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે તે વ્યક્તિ હવે કોંગ્રેસનો સભ્ય નથી, તેને પહેલાં જ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
કોન્સર્ટ અને રેવ પાર્ટીમાં ડ્રગ્સ વેચવાના હતા, પહેલાં જ પકડાયા
સ્પેશિયલ સેલે તુષાર ગોયલ, હિમાંશુ કુમાર, અને ઔરંગઝેબ સિદ્દીકીની દિલ્હીથી ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી મુંબઈનો રહેવાસી છે. આ કેસમાં પોલીસે જણાવ્યું કે તુષાર ગોયલ સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ છે. એ માહિતી પણ મળી હતી કે આ સિન્ડિકેટ દિલ્હી અને અન્ય મેટ્રો સિટીઓમાં કોન્સર્ટ, રેવ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ વેચવાનું હતું.
આ પણ વાંચોઃ