Omicron Cases In India: દિલ્હીમાં ઓમિક્રોનના વધુ એક કેસની થઈ પુષ્ટિ, જાણો કયા દેશોની છે ટ્રાવેલ હિસ્ટ્રી
Omicron Cases India Update: દિલ્હીમાં જે કેસની પુષ્ટિ થઈ છે તે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા હતા અને ઝીમ્બાબ્વેથી આવ્યો હતો. આ ઉપરાંત તે સાઉથ આફ્રિકાના પ્રવાસે પણ ગયો હતો.
Omicron Cases In India: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના કેસમાં વધારો થતાં કુલ કેસની સંખ્યા 33 પર પહોંચી છે. દિલ્હીમાં જે કેસની પુષ્ટિ થઈ છે તે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા હતા અને ઝીમ્બાબ્વેથી આવ્યો હતો. આ ઉપરાંત તે સાઉથ આફ્રિકાના પ્રવાસે પણ ગયો હતો. આ પહેલા મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, દિલ્હીમાં 1 અને કર્ણાટકમાં 2 કેસ મળ્યા છે. કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને ચિંતા વચ્ચે સરકારે દેશમાં માસ્કના ઓછા ઉપયોગ અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે લોકો જોખમી અને અસ્વીકાર્ય વર્તન કરી રહ્યા છે.
મુંબઇમાં ઓમિક્રૉનના કેસો આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં આવી ગઇ છે. અહીં 11-12 ડિસેમ્બર માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રેલીઓ અને સરઘસો કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આદેશનું પાલન ના કરવા પર ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. મહરાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રૉનના કુલ 17 કેસો નોંધાઇ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રૉનના 7 કેસો સામે આવ્યા હતા. આમાંથી ત્રણ કેસો મુંબઇ અને 4 કેસ પિંપરી ચિંચવડ મહાનગરપાલિકામાં મળ્યા છે. મુંબઇમાં મળેલા દર્દીઓની ઉંમર 48, 25 અને 37 વર્ષ છે, આ ત્રણેય નાગરિકો તંજાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકન દેશોમાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે ગુજરાતના જામનગરમાં ઓમિક્રૉનથી સંક્રમિત બે કેસો મળ્યો હતા. અહીં પહેલા સંક્રમિત આવેલા શખ્સની પત્ની અને સાળાનો રિપોર્ટ પણ ઓમિક્રૉન પૉઝિટીવ આવ્યો છે. આ શખ્સ ઝિમ્બાબ્વેથી ભારત પરત આવ્યો હતો. કેટલાક દિવસો પહેલા જ આનો રિપોર્ટ ઓમિક્રૉન પૉઝિટીવ આવ્યો હતો.