મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય
દિન્ડોશીમાં માનવતાને શરમાવે તેવી ઘટના, યાદશક્તિ ગુમાવી ચૂકેલી વૃદ્ધા પર યુવકનું દુષ્કર્મ, આરોપીની ધરપકડ.

Mumbai rape case news: મુંબઈના દિન્ડોશી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને માનવતાને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. અહીં એક 20 વર્ષના યુવકે 78 વર્ષની વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે ગુનાનો ખુલાસો થયો હતો.
પીડિત મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, વૃદ્ધા ડિમેન્શિયા અને યાદશક્તિની સમસ્યાથી પીડિત છે. આ ઘટના ત્યારે બની જ્યારે વૃદ્ધા પોતાના ઘરે એકલી હતી. આરોપી યુવક ઘરમાં ઘૂસી ગયો અને સૂતેલી અવસ્થામાં વૃદ્ધા પર બળાત્કાર કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયો.
ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પીડિતના પરિવારે તાત્કાલિક દિન્ડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પ્રકાશ મોરિયાની ધરપકડ કરી લીધી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 376 (બળાત્કાર) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક વૃદ્ધ અને અસહાય મહિલા પર થયેલા આ અત્યાચારની સર્વત્ર નિંદા થઈ રહી છે. પોલીસે આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપીને કડક સજા મળે તે માટે પ્રયત્નશીલ છે. આ ઘટના સમાજમાં મહિલાઓની સુરક્ષા અને સંવેદનશીલતાના મુદ્દાને ફરી એકવાર ઉજાગર કરે છે.
આ પણ વાંચો....
કન્હૈયા કુમારનું મોટું નિવેદન: 'અમે PM મોદીની વિરુદ્ધ નથી, પણ તેઓ...'





















