Dubai Air Show Crash: ટેકનિકલ ખામી કે પાઈલટની ભૂલ? તેજસ દુર્ઘટના પર નિષ્ણાતોએ વ્યક્ત કરી મોટી શંકા
શું પાઈલટે હવામાં જ કાબૂ ગુમાવ્યો હતો? વિંગ કમાન્ડર નામનાશ સ્યાલની શહીદી બાદ તપાસનો ધમધમાટ, કોકપિટ ડેટા ખોલશે રાઝ.

dubai air show 2025: દુબઈ એર શો 2025 દરમિયાન ભારતીય વાયુસેનાના ગૌરવ સમાન 'તેજસ' ફાઈટર જેટના ક્રેશ થવાની ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. આ દુર્ઘટનાનું સચોટ કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી, પરંતુ સંરક્ષણ નિષ્ણાતોએ એક ચોંકાવનારી થિયરી રજૂ કરી છે. વિશ્લેષકોનું માનવું છે કે એર શો દરમિયાન ખતરનાક દાવપેચ કરતી વખતે પાઈલટ કદાચ 'G-Force Blackout' નો શિકાર બન્યા હોઈ શકે છે અથવા તેમણે વિમાન પરનો કાબૂ ગુમાવી દીધો હોવો જોઈએ. ઘટનાના વીડિયો ફૂટેજમાં પણ વિમાન અચાનક ઓછી ઊંચાઈએ આવીને નિયંત્રણ ગુમાવતું દેખાયું હતું, જે આ આશંકાને વધુ પ્રબળ બનાવે છે.
નિષ્ણાતોનો મત: 'હાઈ ગ્રેવિટી' બની શત્રુ?
સંરક્ષણ નિષ્ણાત અને નિવૃત્ત કેપ્ટન અનિલ ગૌરે આ ઘટનાનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "આ ભયાનક જેટ ક્રેશની પ્રકૃતિ જોતા એવું લાગે છે કે, એર શોના હાઈ-સ્પીડ દાવપેચ (Acrobatics) દરમિયાન પાઈલટે વિમાન પરનું નિયંત્રણ ગુમાવ્યું હશે અથવા તો તેઓ ઉચ્ચ ગુરુત્વાકર્ષણ બળ (High Gravity Force) ને કારણે બ્લેકઆઉટનો અનુભવ કરી રહ્યા હશે."
શું હોય છે G-Force Blackout?
જ્યારે ફાઈટર જેટ હવામાં ઝડપી વળાંક લે છે કે કળાબાજી કરે છે, ત્યારે ગુરુત્વાકર્ષણનું દબાણ અનેકગણું વધી જાય છે. આ સ્થિતિમાં શરીરનું લોહી મગજમાંથી નીચે પગ તરફ ધકેલાઈ જાય છે. પાઈલટ આનાથી બચવા માટે ખાસ 'G-Suit' પહેરે છે, જે પગની નસોને દબાવીને લોહીને ઉપર તરફ રાખે છે. પરંતુ ક્યારેક દબાણ એટલું વધી જાય છે કે પાઈલટ ક્ષણિક ભાન ગુમાવે છે, જેને 'G-LOC' (G-force induced Loss Of Consciousness) કહેવાય છે. નિષ્ણાતોને આશંકા છે કે તેજસ સાથે પણ આવું જ કંઈક થયું હોઈ શકે છે.
ઘટનાક્રમ: ક્યારે અને કેવી રીતે બની દુર્ઘટના?
આ કરૂણ ઘટના શુક્રવારે (21 November, 2025) સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે બની હતી. દુબઈ એર શો 2025 માં ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન પ્રદર્શન ઉડાન ભરી રહ્યું હતું. વિમાન હવામાં શાનદાર એરોબેટિક સ્ટંટ કરી રહ્યું હતું ત્યારે અચાનક તે નીચે તરફ ગયું અને ક્રેશ થયું.
કોકપિટ ડેટા પર સૌની નજર
નિવૃત્ત કેપ્ટન અનિલ ગૌરે શહીદ વિંગ કમાન્ડર નામનાશ સ્યાલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યું કે, "આપણા બહાદુર પાઈલટને ગુમાવવો એ અત્યંત દુઃખદ છે." તેમણે ઉમેર્યું કે અકસ્માતનું સાચું કારણ જાણવા માટે બ્લેક બોક્સ અને કોકપિટ વોઈસ રેકોર્ડરનો ડેટા નિર્ણાયક સાબિત થશે. હાલ ભારતીય વાયુસેનાએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે.





















