'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
ચૂંટણી પંચે SIRની સફળતા વિશે વાત કરતા કહ્યું છે કે 1 લાખથી વધુ BLO, 1.5 લાખથી વધુ બૂથ એજન્ટો અને લગભગ એક લાખ સ્વયંસેવકો આ કાર્યમાં રોકાયેલા છે

ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદી તપાસ અને સુધારણા સંબંધિત તેના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બચાવ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે તે તેની બંધારણીય જવાબદારી પૂરી કરી રહ્યું છે. નકલી મતદારોને દૂર કરવાની તેની જવાબદારી છે. સાચા મતદારોને આમાં કોઈ સમસ્યા નથી. તેઓ ઉત્સાહપૂર્વક તેમની ઓળખની પુષ્ટી કરી રહ્યા છે.
રાજકીય પક્ષોના BLA યોગદાન આપી રહ્યા છે - ECI
ચૂંટણી પંચે SIRની સફળતા વિશે વાત કરતા કહ્યું છે કે 1 લાખથી વધુ BLO, 1.5 લાખથી વધુ બૂથ એજન્ટો અને લગભગ એક લાખ સ્વયંસેવકો આ કાર્યમાં રોકાયેલા છે. ફોર્મ સબમિટ કરવા માટે હજુ 4 દિવસ બાકી છે પરંતુ લગભગ 96 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો પોતે SIR માં યોગદાન આપી રહ્યા છે, પરંતુ પક્ષ આ હકીકત છૂપાવીને સુપ્રીમ કોર્ટમાં SIRનો વિરોધ કરી રહ્યો છે. મીડિયાનો એક વર્ગ જાણી જોઈને SIR વિશે ભ્રામક સમાચાર ચલાવી રહ્યો છે.
SIR સફળતાપૂર્વક ચાલી રહ્યું છે - ચૂંટણી પંચ
સોગંદનામામાં જણાવાયું છે કે કેટલાક રાજકીય પક્ષો અને NGO એ જૂના ડેટા અને મીડિયામાં પ્રકાશિત થયેલી બાબતોના આધારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. SIR સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. તેને પૂર્ણ થવા દો. સમય પહેલા દાખલ કરાયેલી આ અરજીઓ પર સુનાવણી થવી જોઈએ નહીં.
28 જૂલાઈના રોજ સુનાવણીના એક અઠવાડિયા પહેલા દાખલ કરાયેલા જવાબમાં ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે SIRને કારણે કોઈ પણ વ્યક્તિ નાગરિકતા ગુમાવશે નહીં. પંચે એમ પણ કહ્યું છે કે SIR માં ધર્મ, જાતિ, ભાષા, લિંગ વગેરેના આધારે કોઈની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો નથી. તેથી, સમાનતાના મૂળભૂત અધિકારના ઉલ્લંઘનનો દલીલ ખોટો છે. 2003ના SIRમાં મતદાર યાદીમાં જે લોકો હતા તેઓ જાન્યુઆરી 2025માં પ્રકાશિત થયેલ મતદાર યાદીમાં પણ છે.





















