Excise Case: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો
સીબીઆઈ દારૂની નીતિમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. આ સંદર્ભે, કેન્દ્રીય તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડ કરી હતી.
Manish Sisodia Named In CBI Chargesheet: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી શકે છે. CBIએ દિલ્હીની દારૂ નીતિ કેસમાં આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. અગાઉ સિસોદિયાનું નામ કોઈ ચાર્જશીટમાં નહોતું. કોર્ટે ચાર્જશીટના મુદ્દાઓ પર દલીલો માટે 12 મેની તારીખ નક્કી કરી છે.
સીબીઆઈ દારૂની નીતિમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. આ સંદર્ભે, કેન્દ્રીય તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડ કરી હતી. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પણ ED સિસોદિયાની પૂછપરછ કરી રહી છે અને દાવો કર્યો છે કે સિસોદિયા એક્સાઇઝ પોલિસીમાં થયેલા ભ્રષ્ટાચારમાં મુખ્ય કાવતરાખોર છે. મનીષ સિસોદિયા ઉપરાંત બૂચી બાબુ, અર્જુન પાંડે અને અમનદીપ ધલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
અરવિંદ કેજરીવાલની કરાઈ હતી પૂછપરછ
આરોપ છે કે, દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં દારૂના વેપારીઓને લાઇસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો થયો હતો. જેમણે આ માટે કથિત રીતે લાંચ આપી હતી. ગયા અઠવાડિયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા આ મામલે લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દારૂની નીતિને બનાવટી ગણાવતા કેજરીવાલે સવાલ ઉઠાવ્યા બાદ કહ્યું હતું કે, કેન્દ્ર આમ આદમી પાર્ટીને નિશાન બનાવી રહ્યું છે કારણ કે તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે.
મનીષ સિસોદિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાની જામીન અરજીમાં કોર્ટને કહ્યું છે કે, કેન્દ્રીય એજન્સી પાસે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. આ કેસમાં કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને સિસોદિયા સિવાય તમામ જામીન પર બહાર છે. જ્યારે BRS નેતા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી છે.
મનીષ સિસોદિયાની પત્ની હોસ્પિટલમાં દાખલ
દરમિયાન, મનીષ સિસોદિયાની પત્નીને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત છે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સિસોદિયાના ઘરે તેમની પત્નીને મળ્યા હતા અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, સીમા સિસોદિયા ખૂબ જ ગંભીર બીમારીથી પીડિત છે. મનીષ સિસોદિયાનો પુત્ર અભ્યાસ માટે વિદેશમાં છે.