Kaali Poster: ફિલ્મ કાલીના પોસ્ટર વિવાદ અંગે ટ્વિટરે કરી મોટી કાર્યવાહી, ડાયરેક્ટર લીનાને લાગ્યો ઝટકો
ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના વિવાદાસ્પદ પોસ્ટર પર લોકોનો ગુસ્સો ભડક્યો છે. લીના મણિમેકલાઈ વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં FIR પણ નોંધાઈ છે.
Kaali Poster Controversy: ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના વિવાદાસ્પદ પોસ્ટર પર લોકોનો ગુસ્સો ભડક્યો છે. સોશિયલ મીડિયાથી લઈને જમીની સ્તર સુધી દરેક લોકો આ ફિલ્મ અને લીના મણિમેકલાઈના પોસ્ટરનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. દરમિયાન હવે ટ્વિટરે આ પોસ્ટરના વિરોધને ધ્યાનમાં લઈને મોટું પગલું ભર્યું છે.
લીનાની વિવાદાસ્પદ પોસ્ટ હટાવીઃ
2 જુલાઈના રોજ, શોર્ટ ફિલ્મ કાલીનું પોસ્ટર ફિલ્મની નિર્માતા લીના મણિમેકલાઈ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં હિન્દુ દેવી મા કાલીને સિગારેટ પીતી બતાવવામાં આવી હતી. આ સાથે કાલીના પોસ્ટરમાં LGBTQ સમુદાયના ધ્વજની ઝલક પણ જોવા મળી હતી. લીના મણિમેકલાઈની આ પોસ્ટ બાદ દેશભરમાં વાતાવરણ ગરમાયું હતું. જે અંતર્ગત હિન્દુ સમુદાયના લોકોની આસ્થાનું અપમાન કરવા બદલ નવો વિવાદ ઉભો થયો છે. આ સ્થિતિમાં હવે સમગ્ર મામલે કાર્યવાહી કરતા સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટરે લીના મણિમેકલાઈના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ફિલ્મના પોસ્ટરવાળી પોસ્ટને સંપૂર્ણપણે હટાવી દીધી છે.
લીના મણિમેકલાઈની ધરપકડની માંગ ઉઠીઃ
શોર્ટ ફિલ્મ કાલીના આ વિવાદાસ્પદ પોસ્ટરને કારણે લીના મણિમેકલાઈને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે મામલો હાલ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન હિન્દુ સંગઠનોથી લઈને સોશિયલ મીડિયા સુધીના લોકો કાલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મની નિર્માતા લીના મણિમેકલાઈની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ સાથે જ લીના મણિમેકલાઈ વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં કેસ પણ નોંધાયા છે.
કાલી ફિલ્મના પોસ્ટર અંગેના નિવેદન મુદ્દે TMC સાંસદ મહુઆ મોઈત્રા સામે ભોપાલમાં નોંધાઈ FIR
ઈન્ડિયા ટુડે કોન્કલેવ ઈસ્ટ - 2022માં ઉપસ્થિત રહેલાં સાંસદ મહુઆ મોઈત્રાએ કાલી ફિલ્મના પોસ્ટર પર વાત કરતાં જણાવ્યું હતું કે, "મને આ અંગે કોઈ પરેશાની નથી. કાલીના ઘણા રુપ છે. મારા માટે કાલીનો મતલબ માંસ પ્રેમી અને દારુ સ્વિકાર કરનાર દેવી છે. લોકોના અલગ-અલગ મંતવ્ય હોઈ શકે છે મને તેના અંગે કોઈ પરેશાની નથી."
સાંસદ મહુઆ મોઈત્રા સામે મધ્યપ્રદેશની રાજધાની ભોપામાં આઈપીસીની કલમ 295 A હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કલમ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના કેસમાં લગાવામાં આવે છે. આ પહેલાં જબલપુરમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર કાલી ફિલ્મને બનાવનાર લીના મણિમેકલાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ ચુકી છે.