(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપે પૂર્વ IAS અધિકારી એકે શર્માને ઉત્તરપ્રદેશમાં સોંપી મોટી જવાબદારી, જાણો
એકે શર્મા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની નજીકના માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એકે શર્મા ગુજરાત કેડરના અધિકારી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.
થોડા દિવસ પહેલા ભાજપમાં સામેલ પૂર્વ આઈએએસ અધિકારી એકે શર્માને ઉત્તરપ્રદેશના ઉપાધ્યક્ષ બનાવાયા છે. એકે શર્મા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની નજીકના માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એકે શર્મા ગુજરાત કેડરના અધિકારી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરુ કરી દિધી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપે એક રણનીતિ પ્રમાણે તેમને આ જવાબદારી આપી છે. આ સિવાય અર્ચના મિશ્રા અને અમિત વાલ્મિકીને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.
એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે એકે શર્માને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ તેમને યૂપી ભાજપ કાર્યકારિણીમાં સ્થાન આપી બધાને ચોંકાવી દીધા છે. એકે શર્માને નવી જવાબદારી સોંપવામાં આવી છે, જેથી સ્પષ્ટ છે કે ભાજપ રાજકીય સમીકરણ સાધવાના પ્રયાસમાં છે.
ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ તરફથી વિભિન્ન મોર્ચાના પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરવામાં આવી છે. પ્રાંશુદત્ત દ્વિવેદીને યુવા મોર્ચા, શ્રીમતી ગીતાશાક્ય રાજ્યસભા સાંસદને મહિલા મોર્ચા, કામેશ્વર સિંહને કિસાન મોર્ચા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આ સિવાય કૌશલ કિશોર સાંસદને અનુસૂચિત જાતિ મોર્ચા, સંજય ગોણ્ડને અનુસૂચિત જનજાતિ મોર્ચા તથા કુંવર બાસિત અલીને અલ્પસંખ્યક મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આવનારા દિવસમાં વધુ મોટા નિર્ણયો પાર્ટી લઈ શકે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં શર્મા વીઆરએસ લઈને ભાજપમાં સામેલ થયા અને તેમને એમએલસી બનાવવામાં આવ્યા હતા. આ પૂર્વ આઈએએસને પ્રધાનમંત્રી મોદીના નજીકના માનવામાં આવે છે. તેઓ ગુજરાતથી લઈને દિલ્હી સુધી આશરે 18 વર્ષ સુધી પીએમ મોદીની ટીમનો ભાગ રહ્યા છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે, હવે પાર્ટીએ તેમને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી આપી છે.