(Source: ECI/ABP News/ABP Majha)
Goa Congress Crisis: ગોવામાં કોગ્રેસના નવ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે ગોવામાં કોંગ્રેસ પાસે માત્ર 11 ધારાસભ્યો છે, જેમાંથી 9 ધારાસભ્યો હવે ભાજપમાં જોડાય તેવી સંભાવના છે
Goa Congress Crisis: મહારાષ્ટ્ર બાદ હવે ગોવામાં રાજકીય હલચલ મચી ગઈ છે. અહીં કોંગ્રેસ પાર્ટી તૂટવાના આરે છે. એક રિપોર્ટ અનુસાર, પાર્ટીના 9 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. હાલ નારાજ ધારાસભ્યોને મનાવવાના તમામ પ્રયાસો ચાલુ છે. કોંગ્રેસ નેતા દિનેશ ગુંડુરાવ નેતાઓને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે ધારાસભ્યોની વાપસી હવે મુશ્કેલ હોવાનું કહેવાય છે.
ગોવામાં કોંગ્રેસ ભંગાણના આરે છે
ઉલ્લેખનીય છે કે ગોવામાં કોંગ્રેસ પાસે માત્ર 11 ધારાસભ્યો છે, જેમાંથી 9 ધારાસભ્યો હવે ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. જો આમ થશે તો પક્ષ તૂટી જશે અને પક્ષ બદલનાર ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. કારણ કે તેમની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા કરતા ઘણી વધારે છે.
ગોવામાં ઈતિહાસનું પુનરાવર્તન થશે?
કહેવામાં આવી રહ્યું છે કે બળવાખોરોમાં પૂર્વ સીએમ દિગમ્બર કામત પણ સામેલ છે, જેઓ ભાજપમાં જોડાઈ શકે છે. અગાઉ 2019માં પણ કોંગ્રેસને ઝટકો આપતા અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જે બાદ ફરી એકવાર તે ઈતિહાસનું પુનરાવર્તન થઇ શકે છે. દિગમ્બર કામત, માઈકલ લોબો, યૂરી અલેમાઓ, સંકલ્પ અમોનકર, ડિલાઇબા લોબો, એલેક્સ સિક્કેરો, કેદાર નાયક અને રાજેશ ફલદેસાઈ કોગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ શકે છે.
ભાજપમાં જોડાવાની અટકળો પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય દિગમ્બર કામતે કહ્યું કે આવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. અત્યારે હું મારા ઘરે છું. કોંગ્રેસના પ્રભારી દિનેશ ગુંડુરાવ ગોવામાં હાજર છે અને ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અગાઉ, પ્રભારી દિનેશ ગુંડુરાવે સોમવારથી શરૂ થઈ રહેલા ગોવા વિધાનસભા સત્ર માટે વ્યૂહરચના ઘડવા માટે શનિવારે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી, જેમાં પક્ષના તમામ 11 ધારાસભ્યોએ હાજરી આપી હતી. રસપ્રદ વાત એ છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અલગ-અલગ ધાર્મિક સ્થળોએ લઈ જઈને પક્ષ પ્રત્યે વફાદારીના શપથ લેવડાવ્યા હતા.