Alert: કડકડતી ઠંડીમાં પણ અહીં વરસાદનો કહેર, સ્કૂલો બંધ કરાઇ, NDRFની ટીમો સંભાળ્યો મોરચો
Tamil Nadu Rain Alert: નવેમ્બરમાં, તિરુવરુર, કુડ્ડલોર, નાગાપટ્ટિનમ અને માયલાદુથુરાઈ જિલ્લામાં સમાન હવામાનને કારણે શાળાઓ અને કૉલેજો બંધ કરવામાં આવી હતી
Tamil Nadu Rain Alert: દેશભરમાં શિયાળાએ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધુ છે, ઉત્તરથી લઇને દક્ષિણ સુધીના વિસ્તારોમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, હાલમાં દક્ષિણ ભારતમાં વરસાદ ખાબકતા જનજીવન ખોરવાઈ ગયું છે. તામિલનાડુ અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.
હવામાન વિભાગે તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, ખરાબ હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ અને તામિલનાડુના અન્ય 10 જિલ્લાઓમાં આજે એટલે કે 12 ડિસેમ્બર 2024ના રોજ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
આ જિલ્લામાં સ્કૂલો બંધ કરાવાઇ
રાજ્યના 11 જિલ્લાઓમાં જ્યાં ગુરુવારે શાળા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં વિલ્લુપુરમ, તંજાવુર, માયલાદુથુરાઈ, પુદુક્કોટ્ટાઈ, કુડ્ડલોર, ડિંડીગુલ, રામનાથપુરમ, તિરુવરુર, રાનીપેટ, તિરુવલ્લુર અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. IMD એ તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે અરિયાલુર, તંજાવુર, તિરુવરુર અને પુડુક્કોટ્ટાઈ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અહીં અલગ-અલગ જગ્યાએ વરસાદ અને વીજળી પડવાની પણ શક્યતા છે.
ભારે વરસાદને લઇને IMDએ જાહેર કર્યુ એલર્ટ
તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદને કારણે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તટીય આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની અસરને ઓછી કરવા માટે NDRF અને રાજ્યની ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે. માછીમારોને 13 ડિસેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ વર્ષે તમિલનાડુમાં ભારે વરસાદ નોંધાયો છે.
સામાન્ય નાગરિકોના ઘરની અંદર રહેવાની સલાહ
નવેમ્બરમાં, તિરુવરુર, કુડ્ડલોર, નાગાપટ્ટિનમ અને માયલાદુથુરાઈ જિલ્લામાં સમાન હવામાનને કારણે શાળાઓ અને કૉલેજો બંધ કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઘરની અંદર રહેવા અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રચાયેલું ઊંડા નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને શ્રીલંકા અને તમિલનાડુના દરિયાકાંઠાની નજીક આવી ગયું છે. આ જ કારણ છે કે તમિલનાડુમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો