(Source: ECI/ABP News/ABP Majha)
હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, INDIA ગઠબંધનના ઘણા નેતાઓ રહ્યા હાજર
હેમંત સોરેને ગુરુવારે (28 નવેમ્બર) ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાન સંભાળી. તેમણે રાંચીમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના 14મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.
Hemant Soren Oath Ceremony: હેમંત સોરેને ગુરુવારે (28 નવેમ્બર) ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાન સંભાળી. તેમણે રાંચીમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના 14મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે હેમંત સોરેનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) નેતાની આ ચોથી ટર્મ છે.
#WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.
— ANI (@ANI) November 28, 2024
(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe
આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર રહ્યા હતા. આ સાથે JMMના રાષ્ટ્રીય અધ્યક્ષ શિબુ સોરેન અને તેમના પત્ની રૂપી સોરેન પણ શપથ ગ્રહણ દરમિયાન હાજર રહ્યા હતા.
શપથ ગ્રહણ સમારોહમાં ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા
આ સિવાય સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, આરજેડી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, ઝારખંડ કોંગ્રેસના રાજ્ય પ્રભારી ગુલામ અહેમદ મીર, કોંગ્રેસ નેતા તારિક અનવર, અપક્ષ સાંસદ પપ્પુ યાદવ, તમિલનાડુના ડેપ્યુટી સીએમ અને ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિન, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા.
હેમંત સોરેનના પુત્ર નીતિલ સોરેને શું કહ્યું?
શપથ ગ્રહણ સમારોહ પહેલા હેમંત સોરેનના પુત્ર નિતિલ સોરેને કહ્યું, "હું મારા પિતાના શપથ ગ્રહણથી ખૂબ જ ખુશ છું. દરેક વ્યક્તિ તેના સાક્ષી બનવા માટે આવ્યા છે. હું આદિવાસીઓને કહેવા માંગુ છું કે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)તમારા માટે કામ કરી રહી છે. સમગ્ર ઝારખંડ માટે કામ કરી રહ્યું છે.
ઝારખંડમાં 'ઈન્ડિયા' ગઠબંધન 56 બેઠકો પર જીત્યું
ઝારખંડમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હેમંત સોરેને બરહૈત બેઠક પર ભાજપના ગમાલીએલ હેમરામને 39,791 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. જેએમએમની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધને 81 સભ્યોની વિધાનસભામાં 56 બેઠકો જીતીને બહુમતી જાળવી રાખી હતી, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ 24 બેઠકો જીતી હતી.