કોરોના સંક્રમણ દરમિયાન CT-Scan કરાવવું કેટલું ખતરનાક ? એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ આપી માહિતી
ડૉ રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે જો કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો સીટી સ્કેન કરાવવાની કોઈ જરુર નથી. ડૉ ગુલેરિયાનું કહેવું છે કે સીટી સ્કેન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ કરાવ્યા બાદ કેન્સરની શક્યતા વધી શકે છે.
કોરોના વાયરસના સતત વધી રહેલા કેસની સંખ્યામાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. ઘણા લોકોને કોરોના વાયરસના લક્ષણ હોવા છતા તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવી રહ્યો છે ત્યારબાદ ડૉક્ટર તેમને સીટી સ્કેન કરાવવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ એઈમ્સના નિર્દેશક ડૉ રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે જો કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો સીટી સ્કેન કરાવવાની કોઈ જરુર નથી. ડૉ ગુલેરિયાનું કહેવું છે કે સીટી સ્કેન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ કરાવ્યા બાદ કેન્સરની શક્યતા વધી શકે છે.
ડૉ ગુલેરિયાએ કહ્યું, સીટી સ્કેન અને બાયોમાર્કેરનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો સામાન્ય લક્ષણો છે તો સીટી સ્કેન કરાવવાનો કોઈ ફાયદો નથી. એક સીટી સ્કેન 300 ચેસ્ટ એક્સ રે બરાબર હોય છે. જે ખૂબ જ હાનિકારક છે. એઈમ્સના નિર્દેશકે કહ્યું આજકાલ મોટી સંખ્યામાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. જ્યારે સીટી સ્કેનની જરૂર નથી ત્યારે તમે તે કરાવી પોતાને વધારે નુકશાન પહોંચાડી રહ્યા છો. તમે પોતાને રેડિએશનના સંપર્કમાં લાવી રહ્યા છો. બાદમાં કેન્સર થવાની સંભાવનાઓ વધી જાય છે.
એમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, હોમ આઇસોલેશનમાં રહેતા લોકો પોતાના ડોક્ટરના સંપર્કમાં રહે. સેચુરેશન 93 કે તેનાથી ઓછી થઈ રહી છે, બેભાન જેવી સ્થિતિ, છાતીમાં દુખાવો તો ડોક્ટરનો સંપર્ક કરો. ડો. ગુલેરિયા પ્રમાણે જો તમે કોરોના પોઝિટિવ છે પરંતુ તમને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી થઈ રહી નથી, તમારું ઓક્સિજન લેવલ બરાબર છે અને વધુ તાવ નથી તો ડરવાની જરૂર નથી. એમ્સ ડાયરેક્ટરે કહ્યું કે, લોકો વારંવાર લોહીની તપાસ કરે છે જ્યાં સુધી ડોક્ટર ન કહે તો તમે બધુ ન કરો. તેનાથી તમારી ચિંતા વધે છે.
આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 81.77% લોકો સાજા થયા છે. દેશમાં લગભગ 34 લાખ એક્ટિવ કેસ છે. સંક્રમણના કારણે અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકોનાં મોત નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,417 મૃત્યુ નોંધાયા છે. તેમણે કહ્યું કે દેશમાં એવા 12 રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે.