અમેરિકાએ 15 વર્ષોમાં કેટલા ભારતીયોને કર્યા ડિપોર્ટ? વિદેશમંત્રીએ સંસદમાં કર્યો ખુલાસો
ત્યારબાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદના બંને ગૃહોમાં જવાબ આપ્યો હતો

US Deportation Row: અમેરિકાથી 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકન લશ્કરી વિમાન અમૃતસર પહોંચતાની સાથે જ વિપક્ષે સંસદમાં હંગામો શરૂ કરી દીધો. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોએ આ ઘટના પર વિદેશ મંત્રી પાસેથી જવાબ માંગ્યો, ત્યારબાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદના બંને ગૃહોમાં જવાબ આપ્યો હતો. જયશંકરે ગુરુવારે કહ્યું કે અમેરિકા દ્ધારા કરવામાં આવેલી આ કાર્યવાહી નવી નથી, ત્યારબાદ તેમણે 15 વર્ષનો ડેટા શેર કર્યો હતો.
વિદેશ મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2009થી અત્યાર સુધીમાં 15,756 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે "અમેરિકાના દેશનિકાલની પ્રક્રિયા નવી નથી. તે વર્ષોથી ચાલી આવી રહી છે. તે ફક્ત એક દેશને લાગુ પડતી નીતિ નથી. અમારું ધ્યાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી પર હોવું જોઈએ. અમે અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી ખાતરી કરી શકાય કે દેશનિકાલ કરાયેલા લોકો સાથે દુર્વ્યવહાર ન થાય."
એસ.જયશંકર દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, અમેરિકાએ 2019માં સૌથી વધુ ભારતીયો (2,042) નો દેશનિકાલ કર્યો હતો. આ પછી 2020માં 1,889 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા, જે વર્ષે કોરોના મહામારી વિશ્વમાં ફેલાઇ હતી.
અમેરિકાએ 2009માં 734 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને, 2010માં 799, 2011માં 597, 2012માં 530, 2013માં 515, 2014માં 591, 2015માં 708, 2016માં 1303, 2017માં 1024, 2018માં 1180, 2019માં 2042, 2020માં 1889, 2021માં 805, 2022માં 862, 2023માં 617, 2024માં 1368 અને ફેબ્રુઆરી 2025 સુધી 104 લોકોનો દેશનિકાલ કરવામાં આવ્યો છે.
બુધવારે 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન અમૃતસર પહોંચ્યું હતું. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સામે ટ્રમ્પ વહીવટીતંત્રની આ પહેલી કાર્યવાહી હતી. હરિયાણા અને ગુજરાતના 33-33, પંજાબના 30, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ અને ચંડીગઢના બે લોકો છે. આમાંના ઘણા ભારતીયોએ અમેરિકા પહોંચવા માટે પોતાના ઘર વેચી દીધા હતા તો ઘણાએ પોતાની જમીન વેચી દીધી હતી.
ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ અમૃતસર પહોંચ્યા પછી તેમને અમેરિકાથી કેવી રીતે લાવવામાં આવ્યા હતા તેનો ખુલાસો થયો હતો. યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં પ્રવાસીઓને હાથકડી પહેરાવવામાં આવી રહી છે અને તેમના પગમાં બેડીઓ બાંધવામાં આવી છે. આ પ્રકારનો વ્યવહાર સામાન્ય રીતે કટ્ટર ગુનેગારો સાથે કરવામાં આવે છે. ભારતીયોને આ રીતે પાછા મોકલવા બદલ વિપક્ષ સરકાર પર સતત હુમલો કરી રહ્યો છે. તેમણે સરકારને પૂછ્યું છે કે માનવીય રીતે તેમને પાછા લાવવા માટે વિમાન કેમ ન મોકલવામાં આવ્યું?
Parliament: અમેરિકાએ ભારતીયોને આપ્યા સૌથી વધુ H1B વીઝા, રાજ્યસભામાં સરકારે આપી જાણકારી





















