India : ખાલિસ્તાન મુદ્દે ભારત આકરા પાણીએ, જ્સ્ટીન ટ્રુડોને ખુલ્લી ચેતવણી
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખે છે કે, યજમાન દેશો વિયેના સંમેલન મુજબ ભારતમાં તેમના મિશનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે.
India's Response On Khalistan: ભારતે કેનેડા, બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં હિંસાની ખાલિસ્તાનીઓ દ્વારા આચરવામાં આવી રહેલી હિંસક ઘટનાઓને લઈને લાલ આંખ કરી હતી. ભારતે તેને કદાપી સાંખી લેવા યોગ્ય ના હોવાનું કહી વિયેના કન્વેન્શનનો પણ હવાલો આપ્યો હતો. ભારતે વિયેના કન્વેન્શનને ટાંકીને ભારતે સંબંધિત દેશોની સરકારોને યોગ્ય સુરક્ષા પ્રદાન કરવા જણાવ્યું હતું. ખાસ કરીને ભારતે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને સણસણતો જવાબ આપ્યો હતો. ટ્રુડોએ ખાલિસ્તાનીઓના પ્રદર્શનને અભિવ્યક્તિની આઝાદી ગણાવી હતી. જેના પર ભારતે કેનેડાને સ્પષ્ટ ચેતવની આપી હતી.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખે છે કે, યજમાન દેશો વિયેના સંમેલન મુજબ ભારતમાં તેમના મિશનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે. કારણ કે તે એક ગંભીર મુદ્દો છે અને અમે સંબંધિતો સાથે આ બાબતને ગંભીરતાથી લીધી છે.
અભિવ્યક્તિના નામે આતંક ન ફેલાવી શકાય
અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, અમે તેની નિંદા કરીએ છીએ. અમે આ મુદ્દો કેનેડા સરકાર સમક્ષ ઉઠાવ્યો છે. અમે કેનેડાની સરકારને અમારા રાજદ્વારીઓને ત્યાં કામ કરવાની સ્વતંત્રતા પ્રદાન કરવા જણાવ્યું હતું. બાગચીએ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના રેફરન્ડમ વીડિયો પર કહ્યું હતું કે, અમે તેનાથી વાકેફ છીએ અને અમે કેનેડિયન સત્તાવાળાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. એટલું જ નહીં, SFJ ચીફ ગુરપતવંત પન્નુના ભારતીય રાજદ્વારીઓને ધમકી આપતા વીડિયોને લઈને પણ ભારતે કડક વલણ અપનાવ્યું છે. બાગચીએ કહ્યું હતું કે, આ મુદ્દો કેનેડા સરકાર સાથે ઉઠાવવામાં આવ્યો છે.
અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, ખાલિસ્તાન સમર્થકો અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આતંક ફેલાવી શકે નહીં. રાજદ્વારીઓ, વાણિજ્ય દૂતાવાસો, ઉચ્ચ આયોગોને લગતા પોસ્ટરો ચોંટાડવાનો મુદ્દો ખૂબ જ ગંભીર છે. જેમાં હિંસા ભડકાવવાની, ધમકીઓની વાત કરવામાં આવી છે. આવા મુદ્દાઓ પર કેનેડા, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત કરવામાં આવી છે. કેટલીક જગ્યાએથી તાત્કાલિક કાર્યવાહીની જાણ કરવામાં આવી છે અને એવી અપેક્ષા છે કે કેટલીક જગ્યાએ પગલાં લેવામાં આવશે.
બાગચીએ આકરૂ વલણ યથાવત રાખતા કહ્યું હતું કે, અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાની ઘટનાને ત્યાંના પ્રશાસન સાથે પણ લેવામાં આવી હતી અને ત્યાંથી ઉચ્ચ સ્તરીય પ્રતિક્રિયા આવી છે. તેમણે આવા કૃત્યને ગુનાહિત કૃત્ય ગણાવ્યું છે. થોડા દિવસો પહેલા ભારતે કેનેડાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું અને કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની વધતી ગતિવિધિઓ પર 'ડિમાર્ચ' (વાંધા પત્ર) જારી કર્યો હતો.
કેનેડાએ ખાલિસ્તાન સમર્થકો સામે શું કાર્યવાહી કરી?
ખાલિસ્તાન સમર્થકોએ જણાવ્યું હતું કે, ભારતે કેનેડાના સત્તાવાળાઓને 8 જુલાઈના રોજ કેનેડામાં ભારતીય મિશનની બહાર ખાલિસ્તાન તરફી જૂથોના વિરોધને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ મુદ્દો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો નથી, પરંતુ આના નામે આતંકવાદી તત્વો, અલગતાવાદી તત્વોને તક મળી રહી છે.
તેમણે કહ્યું હતું કે, અમે જાણવા માંગીએ છીએ કે દેશોએ શું પગલાં લીધાં છે અથવા શું પગલાં લેવામાં આવી રહ્યાં છે. કારણ કે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. અમે આવા હુમલાઓ અથવા ધમકીઓને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ જરૂરી પગલાં લેવાનું યથાવત રાખીશું. તેમણે કહ્યું હતું કે, અમારું દૂતાવાસ આવી ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે અને સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે.
દૂતાવાસને આગ ચાંપવાનો પ્રયાસ
થોડા મહિનામાં સાન ફ્રાન્સિસ્કોમાં રાજદ્વારી મિશન પર હુમલાની આ બીજી ઘટના છે. 19 માર્ચે, ખાલિસ્તાન તરફી વિરોધીઓના એક જૂથે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. ખાલિસ્તાન સમર્થકોએ 2 જુલાઈએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં કેટલાક લોકો સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને આગ લગાડવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.