India-Canada Row: કેનેડા સાથેના વિવાદ વચ્ચે ભારતે ફરી શરુ કરી વિઝા સર્વિસ, ફક્ત આ લોકોને જ મળશે લાભ
India-Canada Row: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. આ દરમિયાન, ભારતે બુધવારે (25 ઓક્ટોબર) ફરીથી કેનેડાના લોકો માટે વિઝા સેવા શરૂ કરી છે.
India-Canada Row: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. આ દરમિયાન, ભારતે બુધવારે (25 ઓક્ટોબર) ફરીથી કેનેડાના લોકો માટે વિઝા સેવા શરૂ કરી છે. કેનેડાના ઓટ્ટાવામાં હાજર ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની શ્રેણીઓમાં વિઝા સેવા શરૂ કરવામાં આવી છે.
હાઈ કમિશને નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અગાઉ વિઝા આપવા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ફરીથી વિઝા સેવા શરૂ કરવામાં આવી છે. આ નિર્ણય ગુરુવાર (26 ઓક્ટોબર)થી અમલમાં આવશે.
કેનેડાએ 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ વધારે છે, તેથી સંતુલન બનાવવાની જરૂર છે. આ લોકો ભારતની આંતરિક બાબતોમાં પણ હસ્તક્ષેપ કરે છે. આવી સ્થિતિમાં અમે ટૂંક સમયમાં રાજદ્વારીઓને આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લઈશું. આ પછી કેનેડાએ પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા પડ્યા. તેમજ કેનેડાએ કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તેના પર બાગચીએ કહ્યું હતું કે આ બધું વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ થયું છે.
The latest Press Release on resumption of visa service may be seen here. @MEAIndia @IndianDiplomacy @PIB_India @DDNewslive @ANI @WIONews @TOIIndiaNews @htTweets @cgivancouver @IndiainToronto pic.twitter.com/iwKIgF2qin
— India in Canada (@HCI_Ottawa) October 25, 2023
કેવી રીતે શરૂ થયો કેનેડા અને ભારત વચ્ચે વિવાદ?
તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોઈ શકે છે. તેના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ટ્રુડોના તમામ આરોપો રાજનીતિથી પ્રેરિત છે.
કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં નિવેદન જાહેર કર્યું છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદી નિજ્જરની હત્યાની સક્રિય તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા 45 વર્ષીય નિજ્જરને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની હત્યાની તપાસ કેનેડિયન પોલીસની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT) દ્વારા કરવામાં આવી રહી છે.