શોધખોળ કરો
IIT મુંબઈનો ઐતિહાસિક ફેંસલો, આગામી સેમેસ્ટરથી તમામ ક્લાસ થશે ઓનલાઈન, દેશમાં આમ કરનારી બનશે પ્રથમ સંસ્થા
આઈઆઈટી મુંબઈના ડાયરેક્ટર પ્રોફેસર શુભ આશીષ ચૌધરીએ જણાવ્યું કે, લાંબા વિચાર વિમર્શ બાદ આઈઆઈટી તરફથી આ ફેંસલો લેવામાં આવ્યો છે.

મુંબઈઃ કોરોના લોકડાઉન અને તે બાદ અનલોક-1ની પ્રક્રિયા વચ્ચે ધીમે ધીમે દેશમાં બધુ ખૂલી રહ્યું છે. જોકે, દેશભરમાં શિક્ષણ સંસ્થાઓ હજુ પણ બંધ છે. આ સ્થિતિમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા IIT મુંબઈએ એક ઐતિહાસિક ફેંસલો લીધો છે. સંસ્થા આગામી શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ કરીને નવો ચીલો પાડશે. આઈઆઈટી ડાયરેક્ટર તરફથી ફેસબુક પર સ્ટેટસ મૂકીને પોતાના વિદ્યાર્થીઓ અને એલુમનાઈને આ સૂચના આપવામાં આવી છે. આઈઆઈટી મુંબઈના ડાયરેક્ટર પ્રોફેસર શુભ આશીષ ચૌધરીએ જણાવ્યું કે, લાંબા વિચાર વિમર્શ બાદ આઈઆઈટી તરફથી આ ફેંસલો લેવામાં આવ્યો છે. આઈઆઈટી માટે સ્ટુડન્ટ્સ પ્રથમ પ્રાથમિકતા છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ઓનલાઈન ક્લાસનો ફેંસલો લેવામાં આવ્યો છે. સંસ્થાના તમામ સ્ટુડન્ટ્સને લેપટોપ અને બીજા ટેકોનોલોજીકલ સાધનો પરવડે તેમ ન હોવાથી આવા વિદ્યાર્થીઓ સુધી સંસાધન પહોંચાડવા માટે આઈઆઈટી એલુમનાઈએ 5 કરોડના ફંડનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાંથી લેપટોપ અને અન્ય જરૂરી સાધનો ખરીદીને સ્ટુડન્ટ્સને આપવામાં આવશે. લૉકડાઉન લાગુ થયા બાદ આઈઆઈટીનું એકેડમિક્સ સત્ર અટકી ગયું હતું. સ્ટુડન્ટ્સ તેમના ઘરે જવા નીકળી ગયા હતા અને કોર્સ અધૂરો રહી ગયો હતો. લાંબા સમયથી આવી સ્થિતિ વચ્ચે આઈઆઈટી મુંબઈએ ફેસ ટુ ફેસ તમામ લેક્ચર નહીં યોજવાના બદલે આગામી પૂરું સત્ર ઓનલાઈન ચલાવવાનો નિર્ણય લીધો છે.
વધુ વાંચો





















