'PAK સામે ભારતની કાર્યવાહી હાલ માત્ર સ્થગિત કરી છે', દેશના નામે સંબોધનમાં બોલ્યા PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ દેશના નામે સંબોધનમાં શરુઆત કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં આપણે દેશનું સામર્થ્ય અને સંયમ બંને જોયા છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ દેશના નામે સંબોધનમાં શરુઆત કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં આપણે દેશનું સામર્થ્ય અને સંયમ બંને જોયા છે. સૌથી પહેલા દરેક ભારતીય વતી ભારતની પરાક્રમી સેના, સશસ્ત્ર દળો, ગુપ્તચર એજન્સીઓ અને વૈજ્ઞાનિકોને સલામ કરું છું. આપણા બહાદુર સૈનિકોએ ઓપરેશનના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં અપાર હિંમત દર્શાવી છે. પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂર ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે પહેલગામમાં વેકેશન માણી રહેલા દેશવાસીઓને તેમના ધર્મ વિશે પૂછી મારી નાખવામાં આવ્યા આ દેશને તોડવાનો ઘૃણાસ્પદ પ્રયાસ હતો. પાકિસ્તાન સામે ભારતનું એક્શન માત્ર સ્થગિત થયું છે. ઓપરેશન સિંદૂર પર પીએમ મોદીએ સ્પષ્ટ કર્યુ કે અમે સૈન્ય કાર્યવાહી ફક્ત સ્થગિત કરી છે. ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે નવી નીતિ નક્કી છે.
#WATCH | #OperationSindoor | In his address to the nation, PM Modi says, "...We have just paused our attacks on the terrorist and military sites of Pakistan..." pic.twitter.com/Auokov5kYu
— ANI (@ANI) May 12, 2025
ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં
પ્રધાનમંત્રી મોદીએ દેશના નામે સંબોધનમાં કહ્યું કે, ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં. ભારત તેની આડમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર નિર્ણાયક હુમલો કરશે.આપણે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના આકાને અલગ અલગ સંસ્થાઓ તરીકે નહીં જોઈએ. ભારતના ત્રણેય દળો તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર છે.
ઓપરેશન સિંદૂર પર બોલ્યા પીએમ મોદી
ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ કહ્યું કે 6 મેની મોડી રાતથી 7 મેની વહેલી સવાર સુધી આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સટિક હુમલા કર્યા છે.
પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે હું વિશ્વ સમુદાયને એ પણ કહીશ કે અમારી જાહેર નીતિ રહી છે કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે. જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર જ થશે.
પ્રિય દેશવાસીઓ! આજે બુદ્ધ પૂર્ણિમા છે. ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો. શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે. માનવજાત શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધે, દરેક ભારતીય શાંતિથી જીવી શકે, વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય, તે માટે ભારત શક્તિશાળી હોવું જરૂરી છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો જરૂરી છે અને ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં આ જ કર્યું છે.
હું ફરી એકવાર ભારતીય સેના અને સશસ્ત્ર દળોને સલામ કરું છું. હું ભારતના લોકોની હિંમત, એકજૂટતાની સફર અને દરેક ભારતીયના સંકલ્પને સલામ કરું છું. ખુબ ખુબ આભાર. ભારત માતા કી જય.





















