નવી દિલ્હીઃ હનુમાન જયંતિ પર હિંસા બાદ એક્શનમાં દિલ્હી પોલીસ, 15 લોકોની કરાઇ અટકાયત
જહાંગીરપુરી હિંસાને લઇને આખી દિલ્હીમા એલર્ટ જાહેર કરાયુ છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ ફોર્સ વધારવામાં આવી છે
LIVE
Background
દિલ્હીઃ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જહાંગીરપુરીમાં થયેલી હિંસાની કેટલીક તસવીરો સામે આવી છે. પોલીસે આ મામલે પૂછપરછ માટે મોડી રાત્રે 15 શંકાસ્પદોની અટકાયત કરી છે.
જહાંગીરપુરી હિંસાને લઇને આખી દિલ્હીમા એલર્ટ જાહેર કરાયુ છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ ફોર્સ વધારવામાં આવી છે. સૂત્રોના મતે હિંસા મામલામાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. હિંસાની તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના જહાંગીર પુરીમાં શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના ખૂબ નિંદનીય છે. જે પણ દોષિત હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે હનુમાન જન્મોત્સવ પર જહાંગીરપુરીમાં થયેલી પથ્થરમારાની ઘટના એક મોટા કાવતરા હેઠળ કરવામાં આવી છે. જેની તપાસ થવી જોઇએ અને દોષિતોને કડક સજા થવી જોઇએ.
દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે તોફાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. સાથે જ નાગરિકોને અપીલ કરી હતી કે તે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ફેક ન્યૂઝ પર ધ્યાન ના આપે.
જહાંગીરપુરી હિંસાના બે વીડિયો આવ્યા સામે
દિલ્હીના જહાંગીરપુરી હિંસાના બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં તોફાનીઓને દિલ્હી પોલીસ સામે તલવાર લહેરાવતા જોઇ શકાય છે. બીજા એક અન્ય વીડિયોમાં મોટી સંખ્યામાં ભીડ ઘર અને દુકાનોમાં તોડફોડ કરી રહી છે, પથ્થરમારો કરી રહી છે. દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જેના આધાર પર દિલ્હી પોલીસ તપાસ કરશે.
છ પોલીસ જવાનો ઘાયલ
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસામાં છ પોલીસ જવાનો ઘાયલ થયા હતા જેમાં સબ ઇન્સ્પેક્ટર પણ સામેલ છે.