Jahangirpuri Violence: શોભાયાત્રામાં થયેલી હિંસામાં ફાયરિંગ કરનાર શખ્સની થઈ ઓળખ, જાણો અત્યાર સુધીનું અપડેટ
જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના દિવસે થયેલી હિંસા મામલે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે.
Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના દિવસે થયેલી હિંસા મામલે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. સામે આવેલા વીડિયોમાં આ વ્યક્તિ ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. વીડિયો શોભા યાત્રા પર થયેલા પથ્થરમારાનો છે. વીડિયોમાં આ વ્યક્તિ પિસ્તોલ ચલાવતો જોવા મળે છે.
રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે 16 એપ્રિલે અચાનક હિંસા ફાટી નીકળી હતી. હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, ત્યારબાદ વાતાવરણ બગડ્યું હતું અને હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ પોલીસ ફોર્સ ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી અને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જહાંગીરપુરીની ઘટના બાદ સમગ્ર દિલ્હીમાં એલર્ટ રૂપે પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંસારના ભાષણ પછી જ પથ્થરમારો શરૂ થયો હતો.
બીજી તરફ ફાયરિંગના અન્ય એક આરોપી અસલમની ધરપકડ કરવામાં આવી છે અને તેના બે ભાઈઓ પણ ઝડપાઈ ગયા છે. પોલીસે અસલમ પાસેથી એક પિસ્તોલ પણ કબ્જે કરી. આ સાથે જહાંગીરપુરી હિંસાના અન્ય એક આરોપી અંસારની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પર ફાયરિંગ કરવા બદલ ધરપકડઃ
આ હિંસા દરમિયાન એક વ્યક્તિએ કથિત રીતે ગોળીબાર પણ કર્યો હતો. જેની હવે પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા લોકોમાં એક 21 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે, જેણે કથિત રીતે ફાયરિંગ કર્યું હતું અને ગોળી એક પોલીસકર્મીને વાગી હતી. તેમણે કહ્યું કે, આરોપી મોહમ્મદ અસલમ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે, જેમાંથી તેણે શનિવારે સાંજે કથિત રીતે ફાયરિંગ કર્યું હતું. આરોપી જહાંગીરપુરી સ્થિત સીઆર પાર્કની ઝૂંપડપટ્ટીનો રહેવાસી છે. અસલમ અન્ય એક કેસમાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે 2020માં જહાંગીર પોલીસ સ્ટેશનમાં અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.