આસામમાં Japanese Encephalitisના આઠ કેસ નોંધાયા, એકનુ મોત
આ પહેલા શુક્રવારે જાપાનીઝ એન્સેફાલિટિસના સાત કેસ નોંધાયા હતા. ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા.
આસામમાં જાપાનીઝ એન્સેફાલિટિસ (Japanese Encephalitis)નો કહેર વધી રહ્યો છે. આ રોગના વધુ 8 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. નવા કેસ નોંધાયા બાદ હવે આસામમાં જાપાનીઝ એન્સેફાલિટિસના કુલ કેસોની સંખ્યા વધીને 302 થઈ ગઈ છે. જ્યારે આ રોગથી મૃત્યુઆંક 48 પર પહોંચી ગયો છે.
શનિવારે ચિરાંગ જિલ્લામાં જાપાનીઝ એન્સેફાલિટિસના કારણે મૃત્યુનો કેસ નોંધાયો છે. નવા કેસોની વાત કરીએ તો બારપેટામાં ત્રણ નવા કેસ નોંધાયા છે, બક્સા, બોંગાઈગાંવ, ચરાઈદેવ, મોરીગાંવ અને ઉદલગુરીમાં એક-એક કેસ નોંધાયા છે.
આ પહેલા શુક્રવારે જાપાનીઝ એન્સેફાલિટિસના સાત કેસ નોંધાયા હતા. ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. દક્ષિણ સલમારા દિમા હસાઓ અને કાર્બી આંગલોંગ સિવાય આસામના તમામ જિલ્લાઓ આ રોગથી પ્રભાવિત છે.
જાપાનીઝ એન્સેફાલિટિસના સૌથી વધુ 44 કેસ નાગાંવમાં નોંધાયા છે. આ પછી જોરહાટમાં 39 અને ગોલાઘાટમાં 34 કેસ નોંધાયા છે. એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યની તમામ નવ મેડિકલ કોલેજો અને 10 જિલ્લા હોસ્પિટલોમાં આ રોગથી પ્રભાવિત દર્દીઓની ઓળખ અને સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
જાપાનીઝ એન્સેફાલિટિસ (JE) શું છે
જાપાનીઝ એન્સેફાલિટિસ એક ગંભીર રોગ છે. JE એશિયા અને પશ્ચિમ પેસિફિકમાં ચેપગ્રસ્ત મચ્છરો દ્વારા ફેલાતા વાયરસને કારણે થાય છે. JE વાયરસ મચ્છર દ્વારા સંક્રમિત વાયરસના જૂથમાંથી એક છે જે મગજમાં બળતરા (એન્સેફાલીટીસ) પેદા કરી શકે છે. જાપાનીઝ એન્સેફાલીટીસ વાયરસ (JEV) ભારતમાં તીવ્ર એન્સેફાલીટીસ સિન્ડ્રોમનું મુખ્ય કારણ છે.
અહેવાલો અનુસાર, 2014 થી 2020 ની વચ્ચે, આસામમાં AES અને JE ચેપને કારણે 2 હજાર 400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. અહેવાલો મુજબ, આસામમાં 2014માં JE અને AESને કારણે 525, 2015માં 395, 2016માં 279, 2017માં 265, 2018માં 277, 2019માં 514 અને 2020માં 147 મૃત્યુ નોંધાયા હતા.