Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
અમદાવાદના વૈષ્ણવ દેવી સર્કલ પાસે કાર અને એસ ટી બસ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ સામે એક ફોર્ચ્યુનર કાર જોરદાર રીતે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. કાર અને બસ વચ્ચેની ટ્કકર એટલી જોરદાર હતી કે, કારના કૂચડો થઇ ગયો હતો અને રોડ પર કારના ટૂકડા વિખેરાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. કાર એટલી ઓવર સ્પીડ હતી કે, ડિવાઇડર કુદીને સામેના રોડે જઈ રહેલી એસટી બસ સાથે અથડાઇ હતી. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત
18 જાન્યુઆરીને રવિવારની વહેલી સવારે એસજી હાઇવે પર એક ફોર્ચ્યુનર કાર ગાંધીનગર તરફ પૂર ઝડપે જઈ રહી હતી. કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વૈષ્ણોદેવી બ્રિજના છેડે કાર પૂર ઝડપે સામેના રોડે એસટી બસ સાથે અથડાઈ હતી. આ બસ હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહી હતી. ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસ પણ ડિવાઇડર પર ચઢીને ગઈ હતી. આ ઘટના દરમિયાન પૂરપાટ ઝડપે આવતી અન્ય કાર પણ પૂર ઝડપે અથડાઈ હતી, જેના કારણે ફોર્ચ્યુંનર અને બ્રેઝા કારનો કૂચડો બોલી ગયો.




















