Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
BJP Bihar Speaker post: જો સ્પીકર ભાજપના હશે તો ડેપ્યુટી CM માત્ર એક જ રહેશે? 20 નવેમ્બરે શપથવિધિ પહેલા પટણામાં રાજકીય ગરમાવો.

JDU Speaker post offer: બિહારમાં નવી સરકારની રચનાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે ગઠબંધનમાં પદ અને હોદ્દાની વહેંચણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારની પાર્ટી JDU વિધાનસભા સ્પીકરનું પદ ભાજપને સોંપવા માટે તૈયાર થઈ ગઈ છે, પરંતુ બદલામાં તેમણે એક મોટી શરત મૂકી છે. JDU નું કહેવું છે કે જો સ્પીકર પદ ભાજપ પાસે જશે, તો રાજ્યમાં બે ને બદલે માત્ર એક જ નાયબ મુખ્યમંત્રી (Deputy CM) હોવા જોઈએ. આ ફોર્મ્યુલા પર હજુ મંથન ચાલી રહ્યું છે. બીજી તરફ, 20 નવેમ્બરના રોજ પટણાના ગાંધી મેદાનમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
સ્પીકર પદ સામે ડેપ્યુટી CM ની શરત
બિહારમાં NDA સરકારની રચના પહેલા બંને મુખ્ય પક્ષો વચ્ચે મહત્વપૂર્ણ મંત્રણાઓ ચાલી રહી છે. વિધાનસભા સ્પીકરનું પદ કોની પાસે રહેશે તે અંગે અત્યાર સુધી ખેંચતાણ ચાલી રહી હતી. જોકે, હવે સૂત્રો જણાવી રહ્યા છે કે એક વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે. JDU સ્પીકરની ખુરશી જતી કરવા તૈયાર છે, પરંતુ તેઓ ઈચ્છે છે કે ભાજપ પણ સમાધાન કરે. JDU ની શરત મુજબ, જો સ્પીકર ભાજપના હશે, તો બિહારમાં અગાઉની જેમ બે ડેપ્યુટી CM નહીં રહે, પરંતુ માત્ર એક જ નાયબ મુખ્યમંત્રીની નિમણૂક થવી જોઈએ. આ શરત ભાજપ માટે નિર્ણય લેવો મુશ્કેલ બનાવી શકે છે.
ગાંધી મેદાનમાં તૈયારીઓ તેજ
નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 20 November ના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય સમારોહની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે આજે (18 November) ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમાર મેદાનમાં પહોંચ્યા હતા. તેમની સાથે વર્તમાન કાર્યકારી નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા પણ હાજર રહ્યા હતા. સુરક્ષા અને બેઠક વ્યવસ્થાની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી હતી.
આવતીકાલનો દિવસ નિર્ણાયક: BJP અને NDA ની બેઠક
આવતીકાલે એટલે કે બુધવાર (19 November) બિહારના રાજકારણ માટે ખૂબ જ મહત્વનો દિવસ રહેશે. પટણામાં સવારે 10 વાગ્યે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળશે, જેમાં પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ખાસ નિરીક્ષક (Observer) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ત્યારબાદ, NDA ના તમામ ઘટક પક્ષોની સંયુક્ત બેઠક પણ યોજાવાની ધારણા છે. જેમાં JDU, ભાજપ, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષો સામેલ થશે. આ બેઠકમાં NDA ના નેતાની વિધિવત પસંદગી થશે અને ત્યારબાદ રાજ્યપાલને સમર્થન પત્ર સોંપી સરકાર રચવાનો દાવો કરવામાં આવશે.
નીતિશ કુમાર જ 'કેપ્ટન' રહેશે
જોકે, મુખ્યમંત્રી પદને લઈને ગઠબંધનમાં હવે કોઈ મતભેદ નથી. ભાજપ અને JDU વચ્ચે નીતિશ કુમારના નામ પર સંપૂર્ણ સહમતિ સધાઈ ચૂકી છે. NDA ના અન્ય સાથી પક્ષો જેવા કે ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાએ પણ નીતિશ કુમારના નેતૃત્વને પહેલાથી જ લીલી ઝંડી આપી દીધી છે. હવે માત્ર મંત્રીમંડળના ખાતાઓની વહેંચણી અને સ્પીકર પદના પેચ પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.




















