Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
જન સુરાજને 0 સીટ મળતા PK એ કહ્યું- "અમે જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા", ભીતિહરવા ગાંધી આશ્રમમાં કરશે પ્રાયશ્ચિત.

Prashant Kishore Bihar elections: બિહાર વિધાનસભા ચૂંટણીમાં 'જન સુરાજ' પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર (PK) ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પરિણામોના ચાર દિવસ બાદ, મંગળવારે (18 નવેમ્બર, 2025) એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમણે પોતાની હાર સ્વીકારી લીધી છે. પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે આ હારના પ્રાયશ્ચિત રૂપે તેઓ 20 નવેમ્બરના રોજ, જે દિવસે નવી સરકાર શપથ લેશે, ત્યારે 'મૌન ઉપવાસ' કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જનતાનો વિશ્વાસ ન જીતી શકવાની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની છે.
શપથ ગ્રહણના દિવસે ગાંધી આશ્રમમાં ઉપવાસ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાવુક જણાતા પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, તેઓ પોતાની નિષ્ફળતાનું પ્રાયશ્ચિત કરવા માંગે છે. આ માટે તેમણે 20 નવેમ્બરનો દિવસ પસંદ કર્યો છે, જ્યારે બિહારમાં NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. કિશોરે જાહેરાત કરી કે તેઓ ભીતિહરવા ગાંધી આશ્રમ ખાતે જઈને એક દિવસીય મૌન ઉપવાસ કરશે. તેમણે પોતાના પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરોને પણ અપીલ કરી છે કે જેમને અંતરાત્માથી એવું લાગે છે કે તેઓ જનતાની અપેક્ષાઓ પૂરી કરવામાં ઉણા ઉતર્યા છે, તેઓ પણ તે દિવસે જ્યાં હોય ત્યાં મૌન ઉપવાસમાં જોડાય.
"અમે વિશ્વાસ જીતી શક્યા નહીં": 0 સીટ અને 3% વોટ શેર
આંકડાકીય રીતે જન સુરાજનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. રાજ્યની કુલ 243 બેઠકોમાંથી 238 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા છતાં, પાર્ટીને એક પણ સીટ (0) મળી નથી અને વોટ શેર માત્ર 3% ની આસપાસ રહ્યો છે. આ અંગે પ્રશાંત કિશોરે નિખાલસતાથી સ્વીકાર્યું કે, "અમે ઈમાનદારીથી પ્રયાસ કર્યો, પરંતુ તે સંપૂર્ણ નિષ્ફળતા સાબિત થઈ. આ સ્વીકારવામાં મને કોઈ સંકોચ નથી. અમે વ્યવસ્થા પરિવર્તન (Systemic Change) તો દૂર, સત્તા પરિવર્તન પણ લાવી શક્યા નહીં."
"અમારા સમજાવવામાં ક્યાંક ખામી રહી ગઈ"
પોતાની રણનીતિ અને વિચારો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, કદાચ અમારા વિચારો, પ્રયાસો અને જનતાને સમજાવવાની અમારી પદ્ધતિમાં ક્યાંક મોટી ખામી રહી ગઈ હશે, જેના કારણે લોકોએ અમને મત આપ્યો નથી. તેમણે કહ્યું, "જો જનતાએ અમારા પર વિશ્વાસ નથી મૂક્યો, તો તેની સંપૂર્ણ જવાબદારી મારી છે." જોકે, તેમણે એ પણ ઉમેર્યું કે ભલે અમે હારી ગયા, પરંતુ બિહારના રાજકારણમાં મુદ્દાઓ આધારિત ચર્ચા શરૂ કરવામાં અમે ચોક્કસ ભૂમિકા ભજવી છે.
NDA ને અભિનંદન અને સ્થળાંતરનો મુદ્દો
પોતાની હાર સ્વીકારવાની સાથે પ્રશાંત કિશોરે વિજેતા ગઠબંધન NDA અને નીતિશ કુમારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નવી સરકારને ચીમકી આપતા કહ્યું કે, હવે સત્તા પર આવેલા પક્ષોની (ભાજપ અને જેડીયુ) જવાબદારી છે કે તેઓ જનતાને આપેલા વચનો પૂરા કરે. તેમણે ખાસ માંગણી કરી કે આગામી સરકાર રાજ્યમાંથી થતું યુવાનોનું સ્થળાંતર (Migration) અટકાવે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપે.





















