Joshimath Crisis : જોશીમઠ સંકટને લઈ મોદી સરકાર એક્શન મોડમાં, ઉતરશે એજન્સીઓના ધાડેધાડા
ઉત્તરાખંડના મુખ્ય સચિવે પીએમઓને પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ઘણી નિષ્ણાત એજન્સીઓને ત્યાંની સ્થિતિનો અભ્યાસ કરીને ભલામણો આપવા પણ કહેવામાં આવ્યું છે.
Modi Government : ઉત્તરાખંડના જોશીમઠમાં આવેલા મકાનોમાં પડેલી તિરાડોને લઈને રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ હવે ગંભીર બની છે. આ ઘટનાને ધ્યાનમાં રાખી બોર્ડર મેનેજમેન્ટના સચિવ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સોમવારે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને જોશીમઠમાં પરિસ્થિતિની સમીક્ષા કરશે. આજે વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા દ્વારા જોશીમઠમાં પરિસ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડના મુખ્ય સચિવે પીએમઓને પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ઘણી નિષ્ણાત એજન્સીઓને ત્યાંની સ્થિતિનો અભ્યાસ કરીને ભલામણો આપવા પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જ જોશીમઠમાં એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતની ટીમો તૈનાત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જોશીમઠમાં છેલ્લા કેટલાક દિવસથી અચાનક ઘર અને હોટલો સહિત જમીન ફાટી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને સ્થિતિ વધુ વિકટ બની છે. આ મામલે મોદી સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પીએમ મોદીએ આજે આ મામલે હાઈલેવલની બેઠક બોલાવી હતી. આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, આઈઆઈટી રૂરકી, વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાઈડ્રોલૉજી અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોની ટીમો વિસ્તારનો અભ્યાસ કરશે અને રિપોર્ટ સબમિટ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન ઉત્તરાખંડના મુખ્ય સચિવે જોશીમઠથી વડાપ્રધાનના કાર્યાલયને માહિતી આપી હતી.
વડાપ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રાને જોશીમઠની સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારની એજન્સીઓ અને નિષ્ણાતો રાજ્ય સરકારને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે. એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની ચાર ટીમો જોશીમઠ પહોંચી ચૂકી છે.
ઉત્તરાખંડના જોશીમઠને ભૂસ્ખલન અને સબસિડન્સ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને ધરાશાયી થયેલા શહેરમાં ક્ષતિગ્રસ્ત મકાનોમાં રહેતા 60થી વધુ પરિવારોને અસ્થાયી રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. ગઢવાલના કમિશનર સુશીલ કુમારે જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્રે હિમાલયના નગરમાં ચાર-પાંચ સ્થળોએ રાહત કેન્દ્રો સ્થાપ્યા છે અને ઓછામાં ઓછા 90 વધુ પરિવારોને બહાર કાઢવાના છે.
જ્યારે ઉત્તરાખંડ સરકારે હૈદરાબાદમાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી) અને દેહરાદૂનમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ (આઈઆઈઆરએસ)ને સેટેલાઈટ ઈમેજીસ દ્વારા જોશીમઠ વિસ્તારનો અભ્યાસ કરવા અને ફોટા સાથેનો વિગતવાર રિપોર્ટ સબમિટ કરવા ભલામણ કરી છે. દરમિયાન, ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણને પણ પુનર્વસન માટે પીપલકોટીના જોશીમઠ અને સેમલદલા વિસ્તારમાં કોટી ફાર્મ, પ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને બાગાયત વિભાગની જમીનની યોગ્યતા તપાસવા માટે કહેવામાં આવ્યું છે.