પાકિસ્તાન માટે જાસૂસીના આરોપી જ્યોતિ મલ્હોત્રાના પિતાનો સનસનાટીભર્યો દાવો: 'જો મારી દીકરી પાકિસ્તાન….’
જ્યોતિ મલ્હોત્રા પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોના સંપર્કમાં રહેવા અને સંવેદનશીલ માહિતી આપવાનો આરોપ, પિતા હરીશ મલ્હોત્રાએ પોલીસના દાવા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું - તેની પાકિસ્તાન મુલાકાત કાયદેસર હતી.

Jyoti Malhotra Pakistan spy: હરિયાણાના હિસારની રહેવાસી અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના ગંભીર આરોપસર ધરપકડ કરવામાં આવ્યા બાદ આ મામલે દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. જ્યોતિ મલ્હોત્રા પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોના સંપર્કમાં રહેવાનો અને ભારત સંબંધિત સંવેદનશીલ માહિતી તેમને પહોંચાડવાનો આરોપ છે. આ ગંભીર આરોપો વચ્ચે, જ્યોતિ મલ્હોત્રાના પિતા હરીશ મલ્હોત્રાએ એક સનસનાટીભર્યું નિવેદન આપીને તપાસ એજન્સીઓના દાવા પર સવાલો ઉભા કર્યા છે.
પિતાનો દાવો: 'મને આ વિશે કંઈ ખબર નથી, પુત્રી નિર્દોષ છે'
જ્યોતિ મલ્હોત્રાના પિતા હરીશ મલ્હોત્રાએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે 'મને આ વિશે કંઈ ખબર નથી.' તેમણે પોલીસના દાવા પર અવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, કોણ જાણે પોલીસ સાચું બોલી રહી છે કે ખોટું બોલી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની પુત્રી પરના બધા આરોપો ખોટા છે.
પાકિસ્તાન મુલાકાત કાયદેસર હતી, ફસાવવામાં આવી રહી છે
જ્યોતિની પાકિસ્તાન મુલાકાત અંગે પિતાએ કહ્યું કે, "જો મારી દીકરી પાકિસ્તાન ગઈ હોત, તો તેને ભારત સરકાર કે વહીવટીતંત્ર દ્વારા કેટલાક કાગળો અને પાસપોર્ટ આપવામાં આવ્યા હોત. કોઈ પણ આ રીતે પાકિસ્તાન જઈ શકતું નથી, તે તેમની પરવાનગીથી ગઈ હશે." તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની પુત્રીની પાકિસ્તાન મુલાકાત કાયદેસર પ્રક્રિયા હેઠળ થઈ હતી અને "મારી દીકરી ખોટી નથી." તેમણે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે તેને ફસાવી રહી છે, પોલીસ તેને ફસાવી રહી છે.
ભારતમાં રહીને પાકિસ્તાન માટે કામ કરવું અશક્ય
હરીશ મલ્હોત્રાએ સૌથી મોટો અને સનસનાટીભર્યો દાવો કરતા કહ્યું કે, 'એ શક્ય નથી કે તે ભારતમાં રહે અને પાકિસ્તાન માટે કામ કરે.' તેમના મતે, ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરવી તેમની પુત્રી માટે શક્ય જ નથી. આ આધાર પર, તેમણે કહ્યું કે, "મારા મતે, તે તેની ભૂલ નથી, તેને મુક્ત કરવો જોઈએ, તેને ન્યાય મળવો જોઈએ."
હરિયાણા પોલીસનો દાવો
ઉલ્લેખનીય છે કે, રવિવારે હરિયાણા પોલીસે દાવો કર્યો હતો કે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા કથિત રીતે 'તેમના સંપર્ક' તરીકે તૈયાર કરવામાં આવી રહી હતી. હિસારના પોલીસ અધિક્ષક શશાંક કુમાર સાવને જણાવ્યું હતું કે, ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસીય લશ્કરી સંઘર્ષ દરમિયાન જ્યોતિ મલ્હોત્રા કથિત રીતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં તૈનાત એક પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યોતિ મલ્હોત્રા પાસે લશ્કરી કે સંરક્ષણ કામગીરી સંબંધિત કોઈપણ માહિતીની સીધી પહોંચ નહોતી જે તેણે શેર કરી હોય, પરંતુ તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો સાથે સીધી સંપર્કમાં હતી.





















