(Source: ECI | ABP NEWS)
'ભારતમાં ૨૨ કરોડ મુસ્લિમો વસવાટ કરે છે અને....': પાકિસ્તાનનો પક્ષ લેવા બદલ તુર્કીને ઓવૈસીએ ધોઈ નાખ્યું
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે તુર્કીએ પાકિસ્તાનનો ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો, ઓવૈસીએ કહ્યું - ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ મુસ્લિમ વસ્તી છે જે સન્માન સાથે રહે છે.

Asaduddin Owaisi Turkiye statement: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને પહેલગામ હુમલા બાદની પરિસ્થિતિ વચ્ચે, તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તુર્કીની આ જાહેરાત બાદ ભારત અને તુર્કી વચ્ચેના સંબંધોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તુર્કીને વ્યાપકપણે ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે AIMIMના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ (Owaisi criticizes Turkiye) પણ પાકિસ્તાનને સમર્થન આપવા બદલ તુર્કીની આકરી ટીકા કરી છે.
તુર્કીએ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે (૧૭ મે) પાકિસ્તાનને સમર્થન આપવાના તુર્કીના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, તુર્કીએ તેના નિર્ણય પર એક વખત પુનર્વિચાર કરવો જોઈએ. તેમણે ભારત વિરુદ્ધ પાકિસ્તાનને આંધળું સમર્થન આપવા સામે તુર્કીને ચેતવણી આપી. ઓવૈસીએ કહ્યું કે, કોઈપણ નિર્ણય લેતા પહેલા, તુર્કીએ ભારત અને તુર્કી વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ વિચાર કરવો જોઈએ. તેમણે ઇસબેંક નામની તુર્કીની એક બેંકનું ઉદાહરણ આપતા કહ્યું કે, આ બેંકના શરૂઆતના થાપણદારો ભારતીય પ્રાંત હૈદરાબાદ અને રામપુર જોરીના લોકો હતા, જે દર્શાવે છે કે ભારત અને તુર્કી વચ્ચે ઘણા જૂના સંબંધો રહ્યા છે.
પાકિસ્તાન કરતા ભારતમાં વધુ મુસ્લિમો છે
ઓવૈસીએ તુર્કીને ખાસ યાદ અપાવ્યું કે ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ મુસ્લિમો રહે છે. તેમણે કહ્યું કે, ભારતમાં મુસ્લિમોની સંખ્યા ૨૨૦ મિલિયન એટલે કે ૨૨ કરોડ છે અને તેઓ અહીં પૂરા સન્માન સાથે વસવાટ કરે છે. તેમણે અંકારા (તુર્કીની રાજધાની) ને યાદ અપાવ્યું કે તુર્કીના યાત્રાળુઓએ એક સમયે લદ્દાખ થઈને મુંબઈ જઈને હજ કરી હતી.
પાકિસ્તાનને ઇસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી
ઓવૈસીએ પાકિસ્તાન પર પણ પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાન પોતાને મુસ્લિમ દેશ તરીકે રજૂ કરે છે, પરંતુ વાસ્તવમાં પાકિસ્તાનને ઇસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી.
ભૂકંપ દરમિયાન ભારતની મદદની યાદ અપાવી
ઓવૈસીએ ૨૦૨૩માં તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ દરમિયાન ભારત દ્વારા કરવામાં આવેલી માનવતાવાદી સહાયને પણ યાદ કરી. તેમણે ઇશારામાં કહ્યું કે ભારતે મદદનો હાથ લંબાવ્યો હોવા છતાં, બદલામાં તુર્કી તરફથી કોઈ સદ્ભાવનાની ઝલક જોવા મળી નથી.





















