ED અને કોલકાતા પોલીસ આમને-સામનેઃ અભિષેક બેનર્જીની પૂછપરછ પહેલાં EDના અધિકારીઓને સમન્સ મોકલ્યું
આવતીકાલે દિલ્લી ખાતે અભિષેક બેનર્જી અને તેમની પત્ની રૂજીરા બેનર્જી કોલસા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને TMCના સાંસદ અભિષેક બેનર્જી EDના કેસમાં ફસાયા છે. આવતીકાલે દિલ્લી ખાતે અભિષેક બેનર્જી અને તેમની પત્ની રૂજીરા બેનર્જી કોલસા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. અભિષેક બેનર્જી અને તેમની પત્ની રુજીરા બેનર્જીની 21 અને 22 માર્ચ એમ બે દિવસ દિલ્લીમાં પૂછપરછ કરાશે. જો કે, આ મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં હવે કોલકાતા પોલીસે આ જ કેસની તપાસ કરી રહેલા ED અધિકારીઓને સમન્સ મોકલીને હાજર થવા માટે કહ્યું છે.
પોલીસે EDના ત્રણ અધિકારીઓને સમન્સ પાઠવ્યા:
કાલીઘાટ પોલીસે EDના ત્રણ અધિકારીઓને સોમવારે પોલીસ અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યા છે. હાલ આ ત્રણ અધિકારીઓ કોલસા કૌભાંડ અને પશુ દાણચોરી કેસની તપાસ કરી રહ્યા છે. CrPCની કલમ 160 હેઠળ EDના તપાસ અધિકારી, મદદનીશ અને દેખરેખ અધિકારીને આવતીકાલે એટલે કે સોમવારે બપોરે 12.30 થી 1 વાગ્યાની વચ્ચે બોલાવવામાં આવ્યા છે.
ભાજપ કેન્દ્રીય એજન્સીની મદદથી દબાણ કરે છેઃ
આજે ઇડીની પૂછપરછ પહેલાં, અભિષેક બેનર્જીએ કહ્યું કે, "ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીની મદદથી ટીએમસી પર દબાણ કરી રહી છે. અમે તેમને ચૂંટણીમાં હરાવ્યા છે અને તેઓ તેને પચાવી શક્યા નથી. હું જનતાની શક્તિ સામે ઝુકવા તૈયાર છું પરંતુ સત્તામાં બેઠેલા લોકોની સામે ઝુકવા તૈયાર નથી."
ઉલ્લેખનીય છે કે, અભિષેક બેનર્જી અને તેમની પત્નીએ અગાઉ ED દ્વારા દિલ્લીમાં પૂછપરથ માટે હાજર થવા માટે મોકલાયેલા સમન્સ સામે કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બંને પતિ-પત્નિ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાથી ED દ્વારા તેમને દિલ્લીમાં હાજર થવા માટે ના બોલાવવામાં આવે. જો કે, આ અરજીને દિલ્લી હાઈકોર્ટે 11 માર્ચે ફગાવી દીધી હતી. ઇડીના અધિકારીઓએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ જ કેસમાં અભિષેક બેનર્જીની આઠ કલાકથી વધુ સમય માટે પૂછપરછ કરી હતી.