જનરલ રાવતની એક દીકરી રહે છે મુંબઇ, બીજી કરે છે દિલ્હી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સાસરું શહડોલ જિલ્લાના સોહાગપુરમાં છે. રાવતનાં પત્ની મધુલિકા સિંહ રીયાસતદાર કુંવર મૃગેન્દ્ર સિંહનાં વચલાં પુત્રી હતાં
નવી દિલ્લીઃ તમિલનાડુના કુનૂરના જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે ભારતીય લશ્કરના હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકાનું નિધન થયું છે. તેમના નિધન સાથે તેમની બંને દીકરીઓએ એક સાથે માતા-પિતાને ગુમાવ્યા છે.
જનરલ રાવતને કૃતિકા રાવત અને તારિણી એણ બે દીકરી છે. જનરલ બિપિન રાવતના અંગત જીવન વિશે લોકોને બહુ ઓછી માહિતી છે તેથી તેમની બંને દીકરી શું કરે છે એ વિશે લોકોને બહુ માહિતી નથી પણ તેમની બંને દીકરીઓ પિતાનું નામ રોશન કરી રહી છે. આ પૈકી કૃતિકા રાવતનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને કૃતિકા મુંબઈમાં રહે છે. બીજી દીકરી તારિણી દિલ્લીમાં રહે છે અને વકીલ છે. તારિણી દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સાસરું શહડોલ જિલ્લાના સોહાગપુરમાં છે. રાવતનાં પત્ની મધુલિકા સિંહ રીયાસતદાર કુંવર મૃગેન્દ્ર સિંહનાં વચલાં પુત્રી હતાં અને રાજવી પરિવારમાંથી આવતાં હતાં.
મધુલિકા રાવત ગ્વાલિયરની સિંધિયા સ્કૂલનાં વિદ્યાર્થિની રહ્યાં છે. મધુલિકાના લગ્ન જનરલ બિપિન રાવત સાથે 1985માં થયાં હતાં. મધુલિકાના પિતા મૃગેન્દ્ર સિંહ કોંગ્રેસના ટોચના નેતા હતા. સોહાગપુરથી કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારસભ્ય તરીકે ચૂંટાયા હતા. મૃગેન્દ્ર સિંહ 1967 અને 1972માં એણ બે વાર ધારાસભ્ય રહ્યા છે.
દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવૈજ્ઞાનિકનો અભ્યાસ કરનારાં મધુલિકા રાવત આર્મી વાઈવ્સ વેલ્ફેર એસોસિયેશન (AWWA)નાં પ્રેસિડેન્ટ હતાં. મધુલિકા રાવત લશ્કરના જવાનોની પત્ની, બાળકો અને આશ્રિતોને આનંદ મળી રહે એ માટે કામ કરતાં હતાં. સાથે સાથે જવાનોની વિધવાઓના અધિકારો માટે પણ સતત કાર્યરત હતાં.
મેરઠ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડીગ્રી મેળવનાર રાવતનો ઈન્દોર સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. તેઓ મહુમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમણે ડીફેન્સ અને મેનેજમેન્ટ વિષયમાં એમ.ફિલ.ની ડીગ્રી ઈન્દોરના દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી મેળવી હતી.