Lakhimpur Violence: આશિષ મિશ્રા 14 દિવસની કસ્ટડીમાં ધકેલાયો, જાણો કયા સવાલના જવાબમાં ગૂંચવાયો
Lakhimpur Kheri Violence: આશિષના પોલીસ રિમાન્ડ માટે અરજી કરવામાં આવી છે અને કોર્ટે આ અરજી પર સુનાવણી માટે 11 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.
Lakhimpur Violence Case: લખીમપુર ખીરી હિંસા કેસના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની શનિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આશિષ મિશ્રાની SIT ટીમ દ્વારા લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સંપૂર્ણ સવાલ અને જવાબ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. મેજિસ્ટ્રેટે આશિષને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં લખીમપુર ખીરી જિલ્લા જેલમાં મોકલી આપ્યો છે. આશિષના પોલીસ રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી અને કોર્ટે આ અરજી પર સુનાવણી માટે 11 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.
આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીનું નેતૃત્વ કરી રહેલા નાયબ પોલીસ મહાનિરીક્ષક (હેડક્વાર્ટર) ઉપેન્દ્ર અગ્રવાલએ જણાવ્યું કે, આશિષ મિશ્રા તપાસમાં સહકાર આપી રહ્યા નથી. તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા ન હતા. તે સાચી વાત જણાવવા માંગતો નહોતો, તેથી અમે તેની ધરપકડ કરી છે.
આશિષ મિશ્રાને પૂછવામાં આવ્યા આ સવાલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને આ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા - ટીકુનિયામાં શું કાર્યક્રમ યોજવાનો હતો? કાર્યક્રમ ક્યારે શરૂ થયો અને ક્યારે સમાપ્ત થયો? કાર્યક્રમમાં તેમની સાથે કોણ હાજર હતા? ટીકુનિયામાં ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ? ઘટના સમયે તમે ક્યાં હતા? ઘટનાસ્થળે હાજર ન હોવાના તમારી પાસે કયા પુરાવા છે? કોના નામે થાર જીપ છે જેના પરથી ખેડૂતો કચડાયા હતા? થાર જીપ કોણ ચલાવી રહ્યું હતું અને તેમાં બેઠેલા લોકો કોણ હતા? લખનઉના પૂર્વ મેયર અખિલેશ દાસના ભત્રીજા અંકિત દાસ તમારી સાથે હતા? થાર જીપ પાછળ ફોર્ચ્યુનર કાર ચલાવી રહ્યું હતું?
શું ફોર્ચ્યુનર કાર લખનઉના પૂર્વ મેયર અખિલેશ દાસના ભત્રીજા અંકિત દાસની હતી? શું અંકિત દાસ ફોર્ચ્યુનર કારમાં બેઠો હતો અને તમે તેની સાથે હતા? ઘટનાસ્થળે ગોળીબારનો અવાજ સંભળાય હતો, શું તમારા તરફથી ગોળીઓ ચલાવવામાં આવી હતી કે ખેડૂતોએ ગોળીબાર કર્યો હતો? તમારી પાસે કેટલા પરવાનાવાળા હથિયારો છે? જો તમે કાફલાના વાહનોમાં હતા, તો તમારી પાસે તે સમયે કયું લાઇસન્સ ધરાવતું હથિયાર હતું? પિસ્તોલ લોડ કરતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે શું તે વીડિયો તમારો છે? તમને આ ઘટના વિશે ક્યારે અને કેવી રીતે જાણ થઈ? ઘટના પછી તમે ક્યાં ગયા હતા? શું તમે પોલીસને ઘટનાની જાણ કરી હતી? પોલીસે તમારો પક્ષ રજૂ કરવા માટે શુક્રવારે સવારે 10 વાગ્યે પોલીસ લાઇનમાં ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ બોલાવ્યા હતા, તમે ત્યાં કેમ ન પહોંચ્યા?