Assam News: શેરી નાટકોમાં ભગવાન શિવનું પાત્ર ભજવનારની ધરપકડ, જાણો શું હતો મામલો
કાલી ફિલ્મના પોસ્ટર પર દેશવ્યાપી આક્રોશ વચ્ચે, આસામના નાગાંવમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીના રૂપમાં શેરી નાટક કરવા મુદ્દે નવો વિવાદ સર્જાયો છે.
Assam News: કાલી ફિલ્મના પોસ્ટર પર દેશવ્યાપી આક્રોશ વચ્ચે, આસામના નાગાંવમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીના રૂપમાં શેરી નાટક કરવા મુદ્દે નવો વિવાદ સર્જાયો છે. આસામમાં, શેરી નાટકમાં ભગવાન શિવની ભૂમિકા ભજવનાર વ્યક્તિની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. નાગાંવના સદર પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ રાજવંશીએ કહ્યું કે, આ કેસમાં સામેલ અન્ય બે લોકોની ધરપકડ થવાની બાકી છે.
ધરપકડ કરાયેલા વ્યક્તિએ ભગવાન શિવના વેશમાં શેરી નાટકો કરીને પેટ્રોલ-ડિઝલના વધતા ભાવનો વિરોધ કર્યો હતો. આ અંગે VHP અને બજરંગ દળની ફરિયાદના આધારે, નાગાંવ પોલીસે શનિવારે કાર્યકર્તા બિરિંચી બોરાની (શિવનું પાત્ર ભજવનાર) જામીનપાત્ર કલમો હેઠળ ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.
આસામના સીએમએ પોલીસને આડે હાથ લીધીઃ
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રવિવારે આ વિવાદ અંગે પોલીસને આડે હાથ લીધી હતી. આસામના સીએમએ કહ્યું, "જ્યાં સુધી નાટકમાં કંઈ વાંધાજનક વિષય વસ્તુનો ઉપયોગ કરવામાં ન આવે અથવા અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં ન આવે, તો કપડાં પહેરવા એ ગુનો નથી." હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર એક ટ્વીટર યુઝરને જવાબ આપતા લખ્યું, "હું તમારી સાથે સંમત છું કે, વર્તમાન મુદ્દાઓ પર શેરી નાટકોની નિંદા ન થવી જોઈએ. જ્યાં સુધી કોઈ વાંધાજનક સામગ્રી ન હોય ત્યાં સુધી કપડાં પહેરવા એ ગુનો નથી. પોલીસને યોગ્ય આદેશ આપવામાં આવ્યો છે."
શું છે સમગ્ર મામલો?
વિવાદ શનિવારની સાંજે શરૂ થયો હતો જ્યારે શિવ અને પાર્વતીનો વેશ ધારણ કરીને યુવક અને યુવતી પેટ્રોલ-ડિઝલ, ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓના વધતા ભાવના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ બંને નાગાંવમાં કોલેજ ચોક પહોંચ્યા અને બાઈકમાં પેટ્રોલ ખતમ થતાં નાટક કર્યું. બિરાંચી બોરા નામના વ્યક્તિએ ભગવાન શિવના વેશમાં લોકોને વધતી મોંઘવારીથી મુક્તિ મેળવવા મોદી સરકાર સામે આવવા કહ્યું હતું.