MCD Result 2022: ઈમાનદારીની માત્ર વાતો જ !!! દિલ્હીવાસીઓએ 5 ગરીબ ઉમેદવારોને નકાર્યા
સામાન્ય રીતે ભારતમાં ચૂંટણીમાં કરવામાં આવતો ખર્ચ અને ઉમેદવારોની આર્થિક સ્થિતિ હંમેશાથી ચર્ચાનો વિષય રહી છે. સામાન્ય રીતે લોકો મુખે ચર્ચા થતી રહે છે કે, ઉમેદવાર સારો હોવો જોઈએ પૈસાવાળો નહીં.
MCD Result 2022: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી 15 વર્ષ જૂની સત્તા છીનવી લીધી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, બપોર સુધીમાં 'આપ' લગભગ બહુમતનો આંકડો પાર કરી ચૂકી છે. આમ આદમી પાર્ટી 132થી વધુ સીટો જીતતી નજરે પડી રહી છે. અને પાર્ટી 2 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપે 102 બેઠકો જીતી છે અને એક બેઠક પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 9 બેઠકો જીતવામાં સમેટાઈ ગઈ છે.
સામાન્ય રીતે ભારતમાં ચૂંટણીમાં કરવામાં આવતો ખર્ચ અને ઉમેદવારોની આર્થિક સ્થિતિ હંમેશાથી ચર્ચાનો વિષય રહી છે. સામાન્ય રીતે લોકો મુખે ચર્ચા થતી રહે છે કે, ઉમેદવાર સારો હોવો જોઈએ પૈસાવાળો નહીં. પરંતુ દિલ્હીમાં ખરેખર આ વાત ખોટી સાબિત થઈ છે. અહીં અવળી ગંગા વહી છે.
ચૂંટણીમાં દિલ્હીવાસીઓએ ગરીબ ઉમેદવારોને નકારી કાઢ્યા છે. પાંચ સૌથી ગરીબ ઉમેદવારો આ ચૂંટણીમાં MCની ચૂંટણી હારી ગયા છે. કોર્પોરેશનની ચૂંટણી લડનારાઓમાં બે ઉમેદવારો એવા હતા કે જેમની પાસે શૂન્ય સંપત્તિ છે. જ્યારે અન્ય ત્રણ ઉમેદવારો એવા હતા જેમની સંપત્તિ 2,000 થી 4,000 રૂપિયાની વચ્ચે જ હતી. આ પાંચ ઉમેદવારોમાંથી 4 મહિલાઓ હતી. જોકે આ ચૂંટણીમાં ધનકુબેરના ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. ચાલો જાણીએ કે દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં તે પાંચ ગરીબ ઉમેદવારોની શું હાલત છે.
સૌથી ગરીબ ઉમેદવાર
રીટા : દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના વોર્ડ નંબર 123 કાકરોલામાંથી અપક્ષ ઉમેદવાર રીટા MCDની ચૂંટણી હારી ગયા છે. તેમણે ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી હતી.
બીના દેવી : દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના જ 130 દ્વારકા-સી વોર્ડમાંથી બીના દેવી કે જે અપક્ષ ઉમેદવાર હતા તે ચૂંટણી હારી ગયા છે. બીના દેવીએ તેમના ચૂંટણી એફિડેવિટમાં શૂન્ય સંપત્તિ પણ જાહેર કરી હતી.
સુનીતા : નવી દિલ્હી જિલ્લાના વોર્ડ નંબર 153માંથી બીએસપીના ઉમેદવાર હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા છે. ચૂંટણી એફિડેવિટમાં સુનીતાએ 3,570 હજાર રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. સુનીતા વ્યવસાયે નર્સ છે.
કુસુમ યાદવ : દિલ્હી MCD ચૂંટણી લડતા સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવાર હતાં. તે દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના 132 કપાસેરા વોર્ડમાંથી અપક્ષ ઉમેદવાર હતા. કુસુમે ચૂંટણી એફિડેવિટમાં તેમની સંપત્તિ બે હજાર રૂપિયાથી ઓછી જાહેર કરી હતી.
પંકજ રાણા : કોંગ્રેસની ટિકિટ પર વોર્ડ નંબર 70, શાસ્ત્રીનગરમાંથી ઉમેદવાર હતા. ચૂંટણીના સોગંદનામામાં પંકજે તેમની સંપત્તિ 2,500 રૂપિયા જાહેર કરી હતી, પરંતુ જનતાએ તેમને ફગાવી દીધા હતો. પંકજ રાણા પર ત્રણ લાખથી વધુની લોન પણ છે.
ADR રિપોર્ટ અનુસાર, આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 2.27 કરોડ છે, જ્યારે 2017ની નાગરિક ચૂંટણીમાં 2,315 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 1.61 કરોડ હતી. દિલ્હીની MCD ચૂંટણીમાં કુલ 1336 ઉમેદવારો મેદાનમાં હતાં. આ ઉપરાંત રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે, કુલ 556 કરોડપતિ ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું.