મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
Mehul Choksi: મંગળવારે બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, જેને 'કોર્ટ ઓફ કેસેશન' તરીકે ઓળખવામાં આવે છે, તેણે પોતાનો આખરી ફેંસો સંભળાવ્યો હતો.

Mehul Choksi extradition: પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને બેલ્જિયમની ન્યાયિક વ્યવસ્થા તરફથી જોરદાર ફટકો પડ્યો છે. બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે ચોક્સીના ભારત પ્રત્યાર્પણને રોકવા માટે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ મહત્વપૂર્ણ ચુકાદા બાદ હવે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા ચોક્સીને કાયદાકીય રીતે ભારત પરત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારતીય તપાસ એજન્સીઓ માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે.
બેલ્જિયમની સુપ્રીમ કોર્ટનો કડક નિર્ણય
મંગળવારે બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, જેને 'કોર્ટ ઓફ કેસેશન' તરીકે ઓળખવામાં આવે છે, તેણે પોતાનો આખરી ફેંસો સંભળાવ્યો હતો. કોર્ટના અધિકારી હેનરી વેન્ડરલિન્ડેને પુષ્ટિ કરી હતી કે મેહુલ ચોક્સી દ્વારા ભારત પ્રત્યાર્પણ સામે કરાયેલી અપીલને રદ કરવામાં આવી છે. આ સાથે જ અપીલ કોર્ટનો અગાઉનો નિર્ણય અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે ચોક્સી અંદાજે 13,000 કરોડ રૂપિયાના કથિત PNB કૌભાંડના સંબંધમાં વોન્ટેડ છે અને લાંબા સમયથી ભારત આવવાથી બચી રહ્યો છે.
અગાઉના ચુકાદાને કોર્ટે માન્ય રાખ્યો
આ પહેલાં એન્ટવર્પ શહેરની અપીલ કોર્ટે પણ ભારત સરકારની પ્રત્યાર્પણ વિનંતીને ગ્રાહ્ય રાખી હતી અને તેને અમલવારી માટે યોગ્ય ઠેરવી હતી. 29 નવેમ્બર, 2024 ના રોજ યોજાયેલી પ્રી-ટ્રાયલ સુનાવણીમાં કોર્ટે મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા 2018 અને 2021 માં બહાર પાડવામાં આવેલા ધરપકડ વોરંટને કાયદેસર ગણાવ્યા હતા. ચોક્સીએ આ પ્રક્રિયાને પડકારીને સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી, પરંતુ ત્યાં પણ તેને નિરાશા સાંપડી છે અને કોર્ટે તેના પ્રત્યાર્પણનો માર્ગ ખુલ્લો કરી દીધો છે.
આર્થર રોડ જેલ અને માનવાધિકારનો મુદ્દો
સુનાવણી દરમિયાન ચોક્સીએ બચાવ માટે દલીલ કરી હતી કે ભારતમાં તેને રાજકીય દ્વેષનો શિકાર બનાવવામાં આવશે અને ત્યાંની જેલોમાં અમાનવીય વર્તન થશે. જોકે, ભારતીય તપાસ એજન્સીઓએ આ દલીલોનો મજબૂત જવાબ આપ્યો હતો. ભારતે બેલ્જિયમ કોર્ટ સમક્ષ મુંબઈની આર્થર રોડ જેલની સુવિધાઓના ફોટોગ્રાફ્સ અને વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. ભારતે કોર્ટને ખાતરી આપી હતી કે ચોક્સીને સંપૂર્ણ માનવીય સ્થિતિમાં રાખવામાં આવશે. કોર્ટે આ દલીલો સ્વીકારતા નોંધ્યું હતું કે ભારતમાં તેના પર ત્રાસ ગુજારવામાં આવશે કે તેને અન્યાયી ટ્રાયલનો સામનો કરવો પડશે તેવા કોઈ નક્કર પુરાવા નથી.





















