ઓનલાઇન અભ્યાસ નહોતો કરી રહ્યો ત્રણ વર્ષનો દીકરો, માતાએ ગળું દબાવી હત્યા કરી અને બાદમાં.....
ઓનલાઇન અભ્યાસ નહી કરવા પર એક મહિલાએ પોતાના સાડા ત્રણ વર્ષના દીકરાની હત્યા કરી દીધી હતી. આ ઘટના મહારાષ્ટ્રના નાસિક શહેરની છે.
મુંબઇઃ ઓનલાઇન અભ્યાસ નહી કરવા પર એક મહિલાએ પોતાના સાડા ત્રણ વર્ષના દીકરાની હત્યા કરી દીધી હતી. આ ઘટના મહારાષ્ટ્રના નાસિક શહેરની છે. નાસિક શહેરમાં એક 32 વર્ષીય મહિલાએ કથિત રીતે પોતાના સાડા ત્રણ વર્ષના દીકરાની હત્યા કરી દીધી હતી અને બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, પાથરડી ફાટા વિસ્તારમાં રહેનારી મહિલાએ સોમવાર રાત્રે લગભગ સાડા નવ વાગ્યે ઘરમાં ફાંસી લગાવી દીધી હતી. આ અગાઉ તેણે કથિત રીતે પોતાના દીકરાની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી કારણ કે તે ઓનલાઇન અભ્યાસ કરી રહ્યો નહોતો. જેનાથી મહિલા ખૂબ નારાજ હતી. ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સોહેલ શેખે જણાવ્યું હતું કે માતાએ સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ તકિયાથી મોઢું દબાવી પોતાના પુત્રની હત્યા કરી હતી. આ ઘટના મુદ્દે હત્યા અને આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે જ્યારે બંન્ને ઘટનાઓ બની તે સમયે મહિલાના માતા પિતા ઘર પર હાજર હતા. પોલીસે કહ્યું કે તેઓને માતા-દીકરાના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી અને તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના મોત માટે કોઇને જવાબદાર ઠેરવવામાં આવવા જોઇએ નહીં.
આ અગાઉ નવી મુંબઇમાં અભ્યાસને લઇને ઝઘડા બાદ 15 વર્ષીય એક કિશોરીએ કરાટે બેલ્ટથી માતાની કથિત રીતે ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, કિશોરીએ બાદમાં તેને દુર્ઘટનામાં મોત થયાનું બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના 30 જૂલાઇના રોજ નવી મુંબઇના એરોલી વિસ્તારમાં બની હતી. રબાલે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે, કિશોરી અને તેની માતા વચ્ચે સતત ઝઘડાઓ થતા હતા કારણ કે મહિલા ઇચ્છતી હતી કે તેમની દીકરી ડોક્ટરનો અભ્યાસ કરે પરંતુ છોકરી તેમ કરવાનો ઇનકાર કરી રહી હતી. 30 જૂલાઇના રોજ કિશોરીએ પોલીસને જાણકારી આપી હતી કે તેની માતાનું પડવાના કારણે મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ પૂછપરછ દરમિયાન છોકરીએ એ સ્વીકાર કર્યો હતો કે માતા સાથે લડાઇ બાદ તેણે કરાટે બેલ્ટથી તેનું ગળું દબાવી દીધું હતું.